સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન બ્રહ્મોસ મિસાઇલે નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. ઓપરેશન સિંદૂર બાદ વિદેશોમાં બ્રહ્મોસ મિસાઇલની માંગ વધી છે. તેમના સંસદીય મતવિસ્તાર લખનઉમાં નેશનલ પીજી કોલેજ ખાતે ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચંદ્રભાનુ ગુપ્તાની પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ શ્રી સિંહે કહ્યું કે 14 દેશોએ બ્રહ્મોસ મિસાઇલ અંગે પૂછ્યું છે અને આ લખનઉથી તે દેશોમાં મોકલવામાં આવશે. જેનાથી રાજ્યમાં રોજગારની તકો વધશે.
તેમના સંસદીય મતવિસ્તારની બે દિવસીય મુલાકાતના બીજા દિવસે શ્રી સિંહે કહ્યું કે ઉત્તરપ્રદેશ દેશના રાજકારણના મુખ્ય કેન્દ્રોમાંનું એક છે. આ રાજ્ય દેશની દિશા નક્કી કરે છે. ઘણા રાજકારણીઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓ ઉત્તરપ્રદેશમાં જન્મ્યા હતા અને તેઓ દેશને નવી ઊંચાઈઓ પર લઈ ગયા હતા. શ્રી ચંદ્રભાનુ ગુપ્તા તેમાંથી એક છે જેમણે રાષ્ટ્રને માર્ગ બતાવ્યો છે. આ પ્રસંગે, કેન્દ્રીય મંત્રીએ ભૂતપૂર્વ મુખ્યમંત્રીના માનમાં એક ટપાલ ટિકિટ પણ બહાર પાડી.
વર્તમાન યોગી આદિત્યનાથ સરકારની પ્રશંસા કરતા શ્રી સિંહે કહ્યું કે આજે ઉત્તરપ્રદેશ કાયદો અને વ્યવસ્થા માટે જાણીતું છે અને આ સરકાર રાજ્યના વિકાસ અને દેશની પ્રગતિમાં યોગદાન આપી રહી છે.