પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતના મજબૂત, સફળ અને નિર્ણાયક ઓપરેશન સિંદૂર પર લોકસભામાં વિશેષ ચર્ચા ચાલી રહી છે. ચર્ચાની શરૂઆત કરતાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે સરકારે પાકિસ્તાનને મજબૂત સંદેશ આપ્યો છે કે આતંકવાદ અને વાટાઘાટો સાથે ન ચાલી શકે. તેમણે કહ્યું હતું કે, પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા કાયરતાપૂર્ણ હુમલાના જવાબમાં ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો અને 100થી વધુ આતંકવાદીઓને મારીને નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો.
ઓપરેશન સિંદૂર દરમિયાન સશસ્ત્ર દળોની બહાદુરીની પ્રશંસા કરતા સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, દેશે એસ-400 અને આકાશ મિસાઇલ સિસ્ટમ જેવી ઉચ્ચ કક્ષાની હવાઈ સંરક્ષણ પ્રણાલી સાથે પાકિસ્તાનના હુમલાનો અસરકારક રીતે સામનો કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પાકિસ્તાની હુમલામાં ભારતીય પક્ષની કોઈ પણ મહત્વપૂર્ણ સંપત્તિ નષ્ટ થઈ નથી. તેમણે એ દાવાને પણ નકારી કાઢ્યો હતો કે પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કોઈપણ પ્રકારના દબાણમાં કરવામાં આવી હતી
ચર્ચામાં દરમિયાનગીરી કરતાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું હતું કે, પહેલગામ હુમલા પછી સ્પષ્ટ, મજબૂત અને દ્રઢ સંદેશો આપવો મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે સરકારે પહેલગામ હુમલાની વૈશ્વિક સમજણને આકાર આપવા માટે લાંબા સમયથી સરહદ પારના આતંકવાદમાં પાકિસ્તાનની ભૂમિકા આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ રજૂ કરવા આ પગલું ભર્યું હતું.
ગૃહમાં બોલતા, કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈએ જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા તંત્ર પર પ્રશ્નો ઉઠાવતા કહ્યું કે સરકાર પહેલગામમાં કાયરતાપૂર્ણ આતંકવાદી કૃત્ય માટે જવાબદાર આતંકવાદીઓને પકડવામાં અસમર્થ છે.
સમાજવાદી પાર્ટીના રામશંકર રાજભર, કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જી, TDPના લાવુ શ્રીકૃષ્ણા, ભાજપના બૈજયંત પાંડા, લોકજનશક્તિ પાર્ટીના શાંભવી, કોંગ્રેસના દીપેન્દર સિંહ હુડ્ડા સહિતનાં અનેક નેતાઓએ ઓપરેશન સિંદૂર પર વક્તવ્ય આપ્યું હતું.
હાલ લોકસભામાં ચર્ચા ચાલુ છે, જે રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ રહેશે.
Site Admin | જુલાઇ 28, 2025 7:55 પી એમ(PM)
ઓપરેશન સિંદુર પર લોકસભામાં ચર્ચામાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે સરકારે પાકિસ્તાનને મજબૂત સંદેશ આપ્યો છે કે આતંકવાદ અને વાટાઘાટો સાથે ન ચાલી શકે
