ડિસેમ્બર 13, 2025 7:21 પી એમ(PM)

printer

ઓપરેશન કારાવાસ હેઠળ ગુજરાત પોલીસે પેરોલ અને જામીન પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનારા 41 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યાં.

ગુજરાત પોલીસે જામીન કે પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનારા આરોપીઓને પકડવા માટે ‘ઓપરેશન કારાવાસ’ શરૂ કર્યું છે, જેમાં ગુજરાત પોલીસને મોટી સફળતા મળી છે.
આ ઓપરેશન અંતર્ગત વિસ્તૃત માહિતી આપતા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે, છેલ્લા ૧૫ દિવસમાં પોલીસે ૪૧ આરોપીઓને ઝડપી પાડ્યા છે. તે પૈકી ૧૫ જેટલા આરોપીઓ પાંચ વર્ષથી વધુ સમયથી ફરાર હતા. ૨૫ આરોપીઓ મૃત્યુ પામ્યા હોવાનું ઓપરેશન કરાવાસ દરમિયાન જાણવા મળ્યું છે. તે તમામના મૃત્યુ પ્રમાણપત્ર મેળવીને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે
આ ૨૫ આરોપીઓ પૈકી ૧૭ આરોપીઓ પાંચ વર્ષથી વધુ સમયથી ફરાર હતા.
નોંધનીય બાબત છે કે, ઓપરેશન કારાવાસ અંતર્ગત પકડાયેલા આ તમામ આરોપીઓ હત્યા, દુષ્કર્મ જેવા ગંભીર ગુનામાં આજીવન કેદની ભોગવી રહ્યાં હતાં.
શ્રી સહાયે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસની આ સફળતા પાછળ તેમની ખંતપૂર્વકની મહેનત અને વ્યૂહાત્મક કામગીરી રહેલી છે. પોલીસે માત્ર હ્યુમન ઇન્ટેલિજન્સનો જ નહીં, પરંતુ ટેક્નિકલ સર્વેલન્સનો પણ અસરકારક ઉપયોગ કરીને આ આરોપીઓને પકડવામાં ખૂબ મોટી જહેમત ઉઠાવી છે.
શ્રી સહાયે આ સફળતા બદલ સમગ્ર ટીમોને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતાં.