દિલ્લીમાં સંસદ ભવનમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ મતદાન કર્યું હતું.
કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, અશ્વિની વૈષ્ણવ, જીતેન્દ્ર સિંહ, પ્રહલાદ જોશી, રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ, જેડી (એસ) સાંસદ અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવેગૌડા, રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ સોનિયા ગાંધી, ડીએમકે સાંસદ દયાનિધિ મારન, સમાજવાદી પાર્ટીના સાંસદ રામગોપાલ યાદવ અને જેડીયુ સાંસદ સંજય ઝાએ પણ મતદાન કર્યું છે.
આ ઉપરાંત, ઘણા અન્ય સંસદ સભ્યો મતદાન કરી રહ્યા છે. એનડીએના ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન આ ચૂંટણીમાં ઈન્ડિયા બ્લોકના ઉમેદવાર અને સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડી સામે ચૂંટણી લડી રહ્યા છે.
ઉપરાષ્ટ્રપતિની પસંદગી સંસદના બંને ગૃહોના સભ્યો ધરાવતી ઇલેક્ટોરલ કોલેજ દ્વારા કરવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં, ગુપ્ત મતદાન પ્રણાલીનું પાલન કરવામાં આવે છે અને દરેક મતનું મૂલ્ય સમાન હોય છે. ચૂંટણી મંડળના સભ્યો તેમની વ્યક્તિગત પસંદગી અનુસાર મતદાન કરી શકે છે અને તેમના પક્ષના વ્હીપથી બંધાયેલા નથી.
હાલમાં, લોકસભામાં 542 સભ્યો અને રાજ્યસભામાં 239 સભ્યો મળીને કુલ મતદારોની સંખ્યા 781 છે. જ્યારે ચૂંટણી જીતવા માટે 391 મત જરૂરી છે. મતદાન સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. મત ગણતરી સાંજે 6 વાગ્યા પછી શરૂ થશે.
Site Admin | સપ્ટેમ્બર 9, 2025 2:25 પી એમ(PM)
ઉપરાષ્ટ્રપતિ પદ માટેનું નવી દિલ્હીના સંસદ ભવનમાં મતદાન, મોડી સાંજે પરિણામ જાહેર થશે.
