માર્ચ 2, 2025 2:36 પી એમ(PM)

printer

ઉત્તરાખંડમાં હિમસ્ખલનથી અસરગ્રસ્ત શિબિરમાંથી 51 શ્રમિકને બહાર કઢાયા, ચાર શ્રમિકની શોધખોળ ચાલુ

ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લાના માણા ગામમાં હિમસ્ખલનથી અસરગ્રસ્ત સરહદ માર્ગ સંગઠનની શિબિરમાંથી 51 શ્રમિકને બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી ચાર શ્રમિકનું ગઈકાલે સારવાર દરમિયાન મોત નીપજ્યાના અહેવાલ છે. બરફમાં ફસાયેલા અન્ય ચાર શ્રમિકની માહિતી મળતાં યુદ્ધના ધોરણે તપાસ અભિયાન ચાલી રહ્યું છે. આકાશવાણી સાથેની વાતચીતમાં ઉત્તરાખંડ આપત્તિ વ્યવસ્થાપન સચિવ વિનોદ કુમાર સુમને આ અંગે માહિતી આપી હતી.
મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે તેઓએ જણાવ્યું કે, આ બચાવ કામગીરી માટે ગ્રાઉન્ડ-પેનિટ્રેટિંગ રડાર (GPR), થર્મલ ઇમેજિંગ કેમેરા અને પીડિત-લોકેશન કેમેરા સહિત અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ.
ઉપરાંત વાયુસેનાનું એક MI-17 હેલિકોપ્ટર, ત્રણ ચિત્તા હેલિકોપ્ટર, ઉત્તરાખંડ સરકારના બે હેલિકોપ્ટર, AIIMS ઋષિકેશની એક એર એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આગામી ત્રણ દિવસ સુધી ઔલી અને હર્ષિલે ન જવાનો આગ્રહ કર્યો છે.