ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે ભારે વરસાદને કારણે ભારે નુકસાન થયું હતું. નંદનગર ક્ષેત્રના ચાર ગામો સૌથી વધુ પ્રભાવિત થયા હતા. દરમિયાન ચૌદ લોકો ગુમ અને વીસ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. ભારે વરસાદ અને કાટમાળના પ્રવાહને કારણે પાંત્રીસ ઘરોને નુકસાન થયું હતું. અત્યાર સુધીમાં લગભગ ૨૦૦ ગ્રામજનોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આપત્તિ વ્યવસ્થાપન સચિવ વિનોદ કુમાર સુમન સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરીનો નિર્દેશ આપ્યો હતો. તેમણે અધિકારીઓને ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર, ગુમ થયેલા લોકોની ઝડપી શોધ અને રાહત શિબિરોમાં પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. તેમણે વીજળી, પાણી પુરવઠો અને ક્ષતિગ્રસ્ત રસ્તાઓ પુનઃસ્થાપિત કરવાનો પણ આદેશ આપ્યો હતો.
શ્રી સુમને જણાવ્યું હતું કે NDRF, SDRF, ITBP અને અન્ય સંસ્થાઓ રાહત કાર્યમાં જોડાઇ છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે, બચાવ ટીમોને અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાથી તેઓ પગપાળા ઘટના સ્થળે પહોંચી રહ્યા છે.
આ દરમિયાન, હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે.
Site Admin | સપ્ટેમ્બર 18, 2025 1:50 પી એમ(PM)
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ભારે નુકસાન. 14 ગુમ, બે ને બચાવાયાં