આજે અક્ષય તૃતીયા પવિત્ર દિવસથી ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાનો આરંભ થશે. આ પ્રસંગે ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના દરવાજા ખોલવામાં આવશે. પુજારી રાજેશ સેમવાલે જણાવ્યું કે, મુકબા ગામમાં છ મહિનાના શિયાળાના રોકાણ બાદ ગઈકાલે મા ગંગાની પાલખીને ગંગોત્રી ધામ મોકલવામાં આવી જે ગઈકાલે રાત્રે ભૈરવઘાટના ભૈરવ મંદિરમાં રોકાણ બાદ આજે ગંગોત્રી પહોંચશે, જ્યાં પરંપરાગત પૂજા અને વૈદિક મંત્રોચ્ચાર સાથે સવારે સાડા દશ વાગ્યે મંદિરના દરવાજા ખોલવામાં આવશે.આ જ સમયે મા-યમુનાની પાલખી આજે સવારે તેના શિયાળુ રોકાણ ખારસાલીથી યમુનોત્રી ધામ માટે રવાના થશે, જ્યાં મંદિરના દરવાજા ભક્તો માટે સવારે સાડા અગિયાર વાગ્યે ખોલવામાં આવશે. કેદારનાથ ધામના દરવાજા શુક્રવારે અને બદ્રીનાથ ધામના દરવાજા રવિવારે ખુલશે.ચારધામ યાત્રાના ઉદ્ઘાટન સમારોહનું આકાશવાણી દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે. આજે સવારે 10 થી 11 વાગ્યા સુધી ગંગોત્રી ધામના કપાટ ખોલવાનું અને બપોરે સાડા અગિયાર થી સાડા બાર વાગ્યા સુધી જીવંત પ્રસારણ કરવામાં આવશે. કેદારનાથ ધામના કપાટ ખોલવાનું પ્રસારણ બીજી મેના રોજ સવારે છ વાગ્યે અને બદ્રીનાથ ધામના કપાટ ખોલવાનું પ્રસારણ ચોથી મેના રોજ સવારે સાડા છ થી સાડા સાત વાગ્યા સુધી કરવામાં આવશે. આ જીવંત પ્રસારણ આકાશવાણીની ઈન્દ્રપ્રસ્થ, એફએમ ગોલ્ડ અને આરાધના ચેનલો તેમજ ન્યૂઝ ઓન એઆઈઆર એપ પર ઉપલબ્ધ રહેશે. યાત્રા સંબંધિત અહેવાલ પણ આવતીકાલથી ચોથી મે સુધી દરરોજ સાંજે સાડા સાત થી પોણા આઠ વાગ્યા સુધી પ્રસારિત કરવામાં આવશે.
Site Admin | એપ્રિલ 30, 2025 10:02 એ એમ (AM)
ઉત્તરાખંડમાં આજથી ચારધામ યાત્રાનો આરંભ થશે, યાત્રાના ઉદ્ઘાટન સમારોહનું આકાશવાણી દ્વારા જીવંત પ્રસારણ કરાશે
