ડિસેમ્બર 16, 2025 7:42 પી એમ(PM)

printer

ઉત્તરપ્રદેશમાં બસ અકસ્માતમાં 13-ના મોત – રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું

ઉત્તરપ્રદેશના મથુરામાં આજે સવારે ચાર વાગ્યાની આસપાસ અનેક બસ એકબીજા સાથે અથડાતા 13 લોકોના મોત થયાના અહેવાલ છે. જ્યારે 70થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મથુરાના બળદેવ વિસ્તારમાં યમુના ઍક્સપ્રેસ-વૅ પર સર્જાયેલા અકસ્માતમાં બસ અથડાવવાના કારણે વાહનોમાં ભીષણ આગ પણ લાગી હતી.
ગાઢ ધુમ્મસના કારણે દુર્ઘટના બાદ સ્થાનિક પોલીસ અને તંત્ર-એ તાત્કાલિક બચાવ અભિયાન હાથ ધર્યું. વરિષ્ઠ પોલીસ અધિક્ષક શ્લોક કુમારે જણાવ્યું, આ દુર્ઘટના વખતે મોટા ભાગના પ્રવાસી ઊંઘમાં હતા. હાલ ઈજાગ્રસ્તોની વિવિધ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપ-રાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. શ્રી આદિત્યનાથે તમામ સંસ્થાઓ અને અધિકારીઓને રાહત કાર્ય ઝડપથી કરવા નિર્દેશ આપ્યા છે. તેમણે મૃતકોના નજીકના પરિવારજનને 2-2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
બીજી તરફ, પ્રધાનમંત્રી કાર્યાલયે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી દરેક મૃતકના પરિવારજનોને બે લાખ રૂપિયાની સહાય અને ઈજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.