પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી આવતીકાલે મહાકુંભ મેળાની મુલાકાત લેશે અને પવિત્ર સંગમમાં આસ્થાની ડૂબકી લગાવશે. શ્રી મોદી માં ગંગાની પૂજા અર્ચના પણ કરશે.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું છે કે, સરકાર મૌની અમાસનાં રોજ મહાકુંભ દુર્ઘટનામાં ઊંડી તપાસ કરશે અને કાવતરાખોરોને ખુલ્લાં પાડશે. તેમણે જણાવ્યું કે, છેલ્લાં 22 દિવસમાં 38 કરોડથી શ્રધ્ધાળુઓએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું છે.
દરમિયાન, ભૂતાન નરેશ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુકે આજે પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યું હતું. શ્રી વાંગચુકે અક્ષયવટ અને બડે હનુમાન મંદિરના પણ દર્શન કર્યા હતા.
તેમણે ડિજિટલ મહાકુંભ અનુભવ કેન્દ્રમાં આધુનિક ટેકનિકના માધ્યમથી મહાકુંભની માહિતી મેળવી હતી. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા.