ઈરાને સોમવારે કતારમાં અમેરિકા અને તેનાં સહયોગી દળોનાં અલ ઉદેદ હવાઈ મથક પર બેલિસ્ટિક મિસાઇલ હુમલાઓ કર્યા હતા. તેહરાને આ હૂમલાને તેની પરમાણુ સુવિધાઓ પર તાજેતરમાં અમેરિકાએ કરેલા બોમ્બ ધડાકાનાં બદલા તરીકે ગણાવ્યો છે. ઇરાનના હૂમલાનું પ્રાથમિક લક્ષ્ય પશ્ચિમ એશિયામાં અમેરિકાનાં સૌથી મોટા લશ્કરી મથક અલ ઉદેદ હતું, જે દોહામાં આવેલું છે. ઇરાને ઇરાકમાં અમેરિકાના આઇન અલ-અસદ લશ્કરી મથકને પણ નિશાન બનાવ્યું હોવાનાં અહેવાલ છે.
કતાર અને અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું કે, આ હૂમલાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી કારણ કે વધતા જતા પ્રાદેશિક તણાવને ધ્યાનમાં રાખીને સાવચેતીનાં પગલા રૂપે અગાઉથી જ લશ્કરી મથકોને ખાલી કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ઇરાનની મિસાઇલોને સફળતાપૂર્વક આંતરવામાં આવી હોવાથી કોઈ નુકસાન થયું નથી.
અમેરિકી સંરક્ષણ અધિકારીએ પુષ્ટિ કરી હતી કે અલ ઉદેદ હવાઈ મથક પર ઈરાનમાંથી ટૂંકા અંતરની અને મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઇલો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
વધતી જતી તંગદિલીને ધ્યાનમાં રાખતા કતારમાં ભારતીય દૂતાવાસે ભારતીય મૂળનાં નાગરિકોને ઘરની અંદર રહેવા માર્ગદર્શિકા જારી કરી છે.
દરમિયાન, બહેરીન, કુવૈત અને યુએઇએ પોતાનાં હવાઇક્ષેત્રોને પુનઃ ખુલ્લાં મૂક્યા છે.
Site Admin | જૂન 24, 2025 7:53 એ એમ (AM)
ઈરાને કતારમાં અમેરિકા અને તેનાં સહયોગી દળોનાં અલ ઉદેદ હવાઈ મથક પર બેલિસ્ટિક મિસાઇલ હુમલાઓ કર્યા