ડિસેમ્બર 24, 2025 1:39 પી એમ(PM)

printer

ઇસરોએ બ્લુબર્ડ બ્લોક-2 સંચાર સેટેલાઇટનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું… ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીએ અવકાશ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) એ યુનાઇટેડ સ્ટેટ્સના AST સ્પેસમોબાઇલ દ્વારા બનાવવામાં આવેલ બ્લુબર્ડ બ્લોક-2 સંચાર સેટેલાઇટનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું છે. આ ઉપગ્રહ આજે સવારે 8:55 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યો.
આ પ્રસંગે બોલતા, ઇસરોના અધ્યક્ષ વી. નારાયણને સેટેલાઇટના સફળ લોન્ચિંગની પ્રશંસા કરતાં કહ્યું કે ઉપગ્રહને તેની ઇચ્છિત ભ્રમણકક્ષામાં ચોકસાઈ સાથે ઇન્જેક્ટ કરવામાં આવ્યો હતો, જે ઇસરો માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.
આ બ્લુબર્ડ બ્લોક-2 સેટેલાઇટનું વજન સાડા છ ટન છે. LVM-3 એ ભારતથી લો અર્થ ઓર્બિટમાં લોન્ચ કરાયેલ આ સૌથી ભારે કોમર્શિયલ સેટેલાઇટ છે. આ વિશ્વસનીય LVM3 હેવી-લિફ્ટ વ્હીકલની છઠ્ઠી ઓપરેશનલ ફ્લાઇટ છે, જેણે અગાઉ ચંદ્રયાન-2, ચંદ્રયાન-3 મિશન સહિત સતત આઠ સફળ પ્રક્ષેપણ સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે.
બ્લુબર્ડ બ્લોક-2 નો ઉદ્દેશ્ય અવકાશ-આધારિત સેલ્યુલર બ્રોડબેન્ડને સીધા સ્માર્ટફોન પર ફેરફાર કર્યા વિના પહોંચાડવાનો છે, જે દૂરના વિસ્તારોમાં કનેક્ટિવિટી સુધારવામાં ક્રાંતિ લાવશે. આ સેટેલાઈટ 4G અને 5G વૉઇસ અને વિડિયો કૉલ્સ, ટેક્સ્ટ્સ, સ્ટ્રીમિંગ અને ડેટા દરેક માટે, દરેક જગ્યાએ, દરેક સમયે સક્ષમ બનાવશે.