ડિસેમ્બર 27, 2025 1:56 પી એમ(PM)

printer

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ભારત ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં સાતમા ક્રમેથી ત્રીજા ક્રમે પહોંચ્યું

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ભારત ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં સાતમા ક્રમેથી ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી વૈષ્ણવે ભારતને વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઇલ ઉત્પાદક દેશ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં ભારતનો વિકાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વ્યાપક ઇકોસિસ્ટમ વિકસાવવાના દ્રષ્ટિકોણથી પ્રેરિત છે.
શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે મોટા પાયે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન માટે PLI યોજનાએ 13 હજાર 475 કરોડથી વધુનું રોકાણ આકર્ષ્યું છે અને નવ લાખ 80 હજાર કરોડનું ઉત્પાદન કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ યોજનાએ છેલ્લા પાંચ વર્ષમાં એક લાખ 30 હજાર રોજગારીનું સર્જન કર્યું છે. જેથી ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં ઉત્પાદન, રોજગાર અને નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે.
શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે સરકાર હવે મોડ્યુલો, ઘટકો, સબ-મોડ્યુલો, કાચા માલ અને ઉત્પાદન મશીનરી માટે ક્ષમતા નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ યોજના આને ટેકો આપી રહી છે. શ્રી વૈષ્ણવે જણાવ્યું કે અત્યાર સુધીમાં દસ સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપવામાં આવી છે, અને ત્રણ પહેલાથી જ પ્રારંભિક ઉત્પાદન તબક્કામાં છે.
મેક ઇન ઇન્ડિયા પહેલની અસરનો ઉલ્લેખ કરતા, શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે વૈશ્વિક કંપનીઓ આત્મવિશ્વાસ ધરાવે છે. ભારતીય કંપનીઓ વધુને વધુ સ્પર્ધાત્મક બની રહી છે, અને રોજગારની તકો વિસ્તરી રહી છે.