ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે.. આ સંઘર્ષ દરમિયાન ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ ઈઝરાયલને સજા આપવાની પ્રતિજ્ઞા લીધી છે …અમેરિકા દ્વારા ઈઝરાયલી હુમલામાં જોડાયા બાદ સોશિયલ મીડિયા સંદેશમાં, ખામેનીએ કહ્યું ઈઝરાયલે મોટી ભૂલ કરી છે. દરમિયાન, ઈરાની અધિકારીઓએ જણાવ્યું હતું કે સૈન્ય પરમાણુ સુવિધાઓ પર અમેરિકી હુમલાના પ્રતિભાવનો સમય, પ્રકૃતિ અને માપ નક્કી થઇ રહ્યું છે. અગાઉ, ઈરાનની સંસદે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ અને ગેસ શિપિંગ માર્ગોમાંના એક, હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાના પ્રસ્તાવને સર્વાનુમતે મંજૂરી આપી હતી. આ નિર્ણયને કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રતિ બેરલ સો ડોલર ભાવ પહોંચી જાય તેવી શક્યતા છે.. હોર્મુઝની સામુદ્રધુની વૈશ્વિક તેલ નિકાસના આશરે 20 ટકાનો નોંધપાત્ર હિસ્સો છે..
દરમિયાન, અમેરિકી લશ્કરી અધિકારીઓએ સમગ્ર પ્રદેશમાં દળોને ઉચ્ચ સતર્કતા પર રાખ્યા છે. પેન્ટાગોન આ સામુદ્રધુનીને ખુલ્લી રાખવા સંભવિત નૌકાદળ મુકાબલા માટે તૈયારી કરી રહ્યું હોવાના અહેવાલ છે,
બીજીતરફ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી, આજે વાટાઘાટો માટે મોસ્કો પહોંચ્યા છે. તેઓ અમેરિકી લશ્કરી કાર્યવાહી બાદ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વિકાસ અંગે રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે પરામર્શ કરશે..
વૈશ્વિક સ્તરે પણ આ સંઘર્ષની અસરો વર્તાઇ રહી છે.ત્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ન્યૂ યોર્કમાં યુએન મુખ્યમથક ખાતે સુરક્ષા પરિષદના કટોકટીના ખાસ સત્ર દરમિયાન શાંતિની અપીલ કરી હતી.. ઇરાન પર અમેરિકાના હુમલાને ખતરનાક ગણાવીને રાજદ્વારી પગલાં દ્વારા શાંતિ લાવવાની ઇરાન , અમેરિકા અને ઇઝરાયેલને વિનંતી કરી હતી..
ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી, પેની વોંગે, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના ઈરાન પર હુમલો કરવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું, જ્યારે તણાવ ઓછો કરવા અને રાજદ્વારી પગલાંની અપીલ પણ કરી હતી.
Site Admin | જૂન 23, 2025 1:52 પી એમ(PM)
ઇરાન-ઇઝરાયેલ વચ્ચે તંગદિલી વધીઃ બંને દેશોએ એકબીજા પર મિસાઇલોથી હુમલા કર્યા