જૂન 13, 2025 3:40 પી એમ(PM)

printer

ઇઝરાયલે ઈરાનના પરમાણુ કાર્યક્રમ સંબંધિત સ્થળો અને વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ પર હૂમલો કર્યો

ઇઝરાયલે ગઈકાલે રાત્રે ભારે હવાઈ હુમલા કર્યા હતા, જેમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ સંબંધિત સ્થળો અને વરિષ્ઠ લશ્કરી અધિકારીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ હુમલાને ઓપરેશન રાઇઝિંગ લાયન નામ આપ્યું છે. તેમણે કહ્યું છે કે આ હુમલામાં નાતાન્ઝ પરમાણુ સંવર્ધન પ્લાન્ટ, પરમાણુ વૈજ્ઞાનિકો અને ઈરાનના બેલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમ સાથે સંબંધિત સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા છે.
આ હુમલામાં ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડના વડા જનરલ હુસૈન સલામી, ભૂતપૂર્વ પરમાણુ ઉર્જા સંગઠનના વડા ફેરેદુન અબ્બાસી અને ઈરાનના સશસ્ત્ર દળોના વડા મોહમ્મદ બઘેરી સહિત ઘણા લોકો માર્યા ગયા છે. ઇઝરાયલની કાર્યવાહી પર ઈરાનના સંભવિત પ્રતિભાવની આશંકા વચ્ચે પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.દરમિયાન, અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયોએ કહ્યું છે કે ઈરાન પર ઈઝરાયલના હુમલામાં અમેરિકાની કોઈ ભૂમિકા નથી..ઇઝરાયલે ઈરાન તરફથી સંભવિત હુમલાની શક્યતાને ધ્યાનમાં રાખીને દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે.ઈરાને આગામી સૂચના સુધી નાગરિક વિમાનો માટે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે.