ઇંગ્લૅન્ડના લિવરપૂલમાં આજથી વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશીપનો પ્રારંભ થશે. ભારતનું 20 સભ્યોનું દળ આ સ્પર્ધામાં ભાગ લેશે. બે વખતનાં વિશ્વ વિજેતા નિખત ઝરીન અને ટૉક્યો ઑલિમ્પિક કાંસ્ય ચંદ્રક વિજેતા લવલિના બોરગોહેન એક વર્ષ બાદ વાપસી કરી રહ્યાં છે.જુલાઈમાં રમાયેલા વિશ્વ કપમાં રજત ચંદ્રક જીતનારી બે વખતનાં ઍશિયન વિજેતા પૂજા રાની પણ આ સ્પર્ધામાં ભાગ લેશે. નવા ચહેરાઓની સાથે અનુભવી પુરુષ મુક્કેબાજ ટીમનું નેતૃત્વ સુમિત કુન્ડૂ કરશે. 2021 વિશ્વ યુવા વિજેતા સચિન સિવાચ અને હર્ષ ચૌધરી સાથે જદુમણિસિંહ મન્દેન્ગબામ, હિતેશ ગુલિયા અને અભિનાશ જામવાલ જેવા નવા મુક્કેબાજ આ મોટા મંચ પર ભવ્ય પ્રદર્શન કરે તેવી આશા છે.આ સ્પર્ધામાં નૉકઆઉટ મુકાબલો રમાશે.દરેક મુકાબલામાં ત્રણ—ત્રણ મિનિટના રાઉન્ડ રમાશે અને “ટૅન પૉઈન્ટ મસ્ટ” સ્કૉરિંગ નિયમ લાગૂ રહેશે. સેમિ-ફાઈનલમાં પહોંચતાં જ કાંસ્ય ચંદ્રક નક્કી થઈ જશે.
Site Admin | સપ્ટેમ્બર 4, 2025 9:49 એ એમ (AM)
ઇંગ્લૅન્ડમાં આજથી વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશીપનો પ્રારંભ થશે
