મે 18, 2025 9:08 એ એમ (AM)

printer

આતંકવાદ સામે ભારતનો દ્રષ્ટિકોણ રજૂ કરવા સાત સભ્યોનું સર્વપક્ષીય પ્રતિ-નિધિમંડળ વિશ્વના કેટલાક દેશોની મુલાકાત લેશે

આતંકવાદ સામેના ઓપરેશન સિંદૂર વિશે વિગતવાર માહિતી આપવા માટે સાત સભ્યોનું સર્વપક્ષીય પ્રતિ-નિધિમંડળ વિશ્વના કેટલાક દેશોની મુલાકાત લેશે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ ગઈકાલે સોશિયલ મીડિયા સંદેશમાં પ્રતિનિધિમંડળમાં સમાવિષ્ટ સાંસદો વિશે માહિતી આપી હતી.ભારતીય જનતા પાર્ટીના સાંસદ બૈજયંત પાંડાના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ સાઉદી અરેબિયા, બહેરીન, કુવૈત અને અલ્જેરિયાની મુલાકાત લેશે. આ પ્રતિનિધિમંડળમાં બીજેપી સાંસદ નિશિકાંત દુબે અને AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસી સામેલ છે. ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ બ્રિટન, ફ્રાન્સ, જર્મની, યુરોપિયન યુનિયન, ઇટાલી અને ડેનમાર્કની મુલાકાત લેશે.જનતા દળ – યુનાઈટેડના સાંસદ સંજય કુમાર ઝાના નેતૃત્વ હેઠળનું ત્રીજું જૂથ ઇન્ડોનેશિયા, મલેશિયા, દક્ષિણ કોરિયા, જાપાન અને સિંગાપોરની મુલાકાત લેશે. આ પ્રતિનિધિમંડળમાં તૃણમૂલ કોંગ્રેસના યુસુફ પઠાણ અને માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના જોન બ્રિટાસનો સમાવેશ થાય છે.શિવસેના સાંસદ શ્રીકાંત એકનાથ શિંદેના નેતૃત્વમાં ચોથું જૂથ સંયુક્ત આરબ અમીરાત, લાઇબેરિયા, કોંગો અને સિએરા લિયોનની મુલાકાત લેશે. કોંગ્રેસના સાંસદ શશી થરૂરના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ અમેરિકા, પનામા, ગુયાના, બ્રાઝિલ અને કોલંબિયાની મુલાકાત લેશે. ડીએમકે સાંસદ કનિમોઝી કરુણાનિધિના નેતૃત્વમાં છઠ્ઠું પ્રતિનિધિમંડળ સ્પેન, ગ્રીસ, સ્લોવેનિયા, લાતવિયા અને રશિયા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સાંસદ સુપ્રિયા સુલેના નેતૃત્વ હેઠળનું જૂથ ઇજિપ્ત, કતાર, ઇથોપિયા અને દક્ષિણ આફ્રિકાની મુલાકાત લેશે.