કેન્દ્ર સરકાર ‘ઑપરેશન સિંદૂર’ બાદ પાકિસ્તાન સમર્થક આતંકવાદ સામે ભારતના દ્રષ્ટિકોણને રજૂ કરવા સાત બહુપક્ષીય પ્રતિનિધિમંડળને વિવિધ દેશમાં મોકલશે. આ પ્રતિનિધિમંડળ આ મહિનાના અંતમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિસદના સભ્યો સહિત મહત્વના સહયોગી દેશની મુલાકાત લેશે. તેમાં વિવિધ રાજકીય પાર્ટીઓના સાંસદ, મુખ્ય રાજદ્વારી લોકો અને પ્રતિષ્ઠિત રાજદ્વારી સામેલ થશે.
આ સાત પ્રતિનિધિમંડળમાં કૉંગ્રેસ સાંસદ શશિ થરુર, ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદ, જનતા દળ યુનાઈટેડના સાંસદ સંજય કુમાર ઝા, ભાજપ સાંસદ વૈજયન્તી પન્ડા, દ્રવિડ મુન્નેત્ર કડગમ સાંસદ કનિમોઝી કરુણાનિધિ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીનાં સાંસદ સુપ્રિયા સુળે અને શિવસેના સાંસદ શ્રીકાન્ત એકનાથ શિન્દે સામેલ છે. સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ પ્રતિનિધિમંડળને રાષ્ટ્રીય એકતાનું શક્તિશાળી પ્રતિક ગણાવ્યું.