જુલાઇ 16, 2025 10:23 એ એમ (AM)

printer

આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદના મુદ્દાઓ પર સહેજ પણ સમાધાનકારી વલણ ન અપનાવવા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનને ભારતની અપીલ

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ભાર મૂક્યો છે કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશને આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદના મુદ્દાઓ પર સહજે પણ સમાધાનકારી વલણ અપનાવવું જોઈએ નહીં. ડૉ. જયશંકરે ગઈકાલે સાંજે ચીનના તિયાનજિનમાં SCO વિદેશ મંત્રીઓની પરિષદની બેઠકમાં ભાગ લીધો હતો. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતા મંત્રીએ કહ્યું કે, ધાર્મિક વિભાજનના બીજ વાવવાના ઈરાદાથી જમ્મુ અને કાશ્મીરના પ્રવાસન અર્થતંત્રને નબળું પાડવા માટે આ ઇરાદાપૂર્વક કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય સ્તરે વર્તમાન અવ્યવસ્થા પર પ્રકાશ પાડતા ડૉ. જયશંકરે કહ્યું કે, આર્થિક અસ્થિરતા વધી રહી છે. તેમણે કહ્યું કે, ભારતે SCOમાં સ્ટાર્ટઅપ અને નવીનતાથી લઈને પરંપરાગત દવા અને ડિજિટલ જાહેર માળખા સુધીના ક્ષેત્રોમાં ઘણી પહેલ કરી છે.