જૂન 1, 2025 7:47 એ એમ (AM)

printer

આતંકવાદને નેસ્તનાબૂદ કરવાના ભારતના અભિગમને યુરોપિયન અને આફ્રિકન રાષ્ટ્રોના રાજનેતાઓ સમક્ષ સર્વપક્ષિય પ્રતિનિધિ મંડળોએ મજબૂત રીતે રજૂ કર્યો

આતંકવાદને નાબૂદ કરવા માટે ભારતની દ્રઢ પ્રતિબદ્ધતા દર્શાવવા સાત બહુપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળો તેમની વિદેશ યાત્રાઓ દરમિયાન ઉચ્ચ સ્તરીય ચર્ચાઓ કરી રહ્યા છે.ઇથોપિયા પહોંચેલા NCP-SCP સાંસદ સુપ્રિયા સુલેના નેતૃત્વ હેઠળના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે, ટોચના ઇથોપિયન સંસદસભ્યો, મહાનુભાવો, આફ્રિકન યુનિયન કમિશન સાથે વાતચીત અને ચર્ચાઓ કરી. બેઠક દરમિયાન, પ્રતિનિધિમંડળના સભ્યોએ સરહદ પાર આતંકવાદના સતત ખતરા અને ભારતમાં સામાજિક વિખવાદ ઊભા કરવાના ઇરાદાપૂર્વકના પ્રયાસો પર ભાર મૂક્યો. ઇથોપિયન પક્ષે આતંકવાદ સામે તેની શૂન્ય-સહિષ્ણુતા નીતિ પર ભાર મૂક્યો અને 22 એપ્રિલના રોજ નિર્દોષ નાગરિકો સામે કરવામાં આવેલા આતંકવાદી કૃત્યની નિંદા કરી.ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ ફ્રાન્સ, ઇટાલી અને ડેનમાર્કની મુલાકાત પૂર્ણ કર્યા પછી લંડન પહોંચ્યું છે. મીડિયા સાથે વાત કરતા શ્રી પ્રસાદે કહ્યું, પ્રતિનિધિમંડળ અહીં અસરકારક રીતે પોતાનો પક્ષ મૂકશે. ભાજપના સાંસદ બૈજયંત પાંડાના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળે અલ્જેરિયામાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરી. ડીએમકે સાંસદ કનિમોઝી કરુણાનિધિના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ સ્પેનના મેડ્રિડ પહોંચ્યું છે, જ્યાં સ્પેનમાં ભારતીય રાજદૂતે તેમનું સ્વાગત કર્યું હતું.