આજે શિક્ષક દિવસ છે. આ દિવસ શિક્ષણવિદ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કરશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષકો સાથે વાતચીત કરી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું કે શિક્ષકો માત્ર વર્તમાનને જ નહીં પરંતુ રાષ્ટ્રના ભવિષ્યને પણ આકાર આપે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં આજે અમદાવાદમાં ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ’ યોજાશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિતિ રહેશે.‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ’માં પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોર તથા રાજ્ય મંત્રીપ્રફુલ પાનશેરીયા વિશેષ ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ વિભાગ અંતર્ગત આવતા કુલ 30 શિક્ષકોને પારિતોષિક એનાયત કરાશે. જેમાં દેવભૂમિ દ્વારકાના મીઠાપુર હાઈસ્કૂલના શિક્ષક, વડોદરાના પાદરા તાલુકાના લુણા ગામની શાળાના શિક્ષિકા અને નર્મદા જિલ્લાની ગોરા પ્રાથમિક શાળાના શિક્ષકને પણ પુરસ્કારથી સન્માનિત કરાશે.
Site Admin | સપ્ટેમ્બર 5, 2025 8:42 એ એમ (AM)
આજે શિક્ષક દિવસ નિમિત્તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ’ યોજાશે
