કેન્દ્ર સરકારે ગ્રાહકોને વધુ અધિકાર સંપન્ન બનાવવા માટે ફરિયાદ નિવારણ વ્યવસ્થામાં સુધારો કરીને તેને વધુ અસરકારક બનાવી છે. કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ આજે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે યોજાયેલા વેબીનારને વિડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી સંબોધતા આ મુજબ
જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે ઇ-કોમર્સ ક્ષેત્રે અયોગ્ય વેપાર પદ્ધતિઓ સામે ગ્રાહકોને પૂરતું રક્ષણ આપવા માટે સરકારે ઇ-કોમર્સ ગ્રાહક સુરક્ષા ધારામાં કરેલા સુધારાઓ ઉપયોગી થયા છે. આ સુધારા મુજબ ફરિયાદ નિવારણની પ્રક્રિયા એક તબક્કામાં થતી હોવાથી ગ્રાહકો વધુ અધિકાર સંપન્ન બન્યા છે.
શ્રી જોશીએ ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે કેન્દ્ર સરકાર દ્વારા લેવાઇ રહેલા વિવિધ પગલાંઓની વિગતો આપી હતી અને જણાવ્યું હતું કે ટકાઉ ઉત્પાદનો વાજબી ભાવે ગ્રાહકોને મળી રહે તે માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે.
પર્યાવરણ રક્ષણના ભાગરૂપે ઉત્પાદકો પર્યાવરણને અનુકૂળ પદ્ધતિ અપનાવે તે માટે સરકાર ઉત્પાદકોને પ્રોત્સાહન આપી રહી છે.