આજે લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ખાસ ચર્ચા ફરી શરુ થશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગઈકાલે પહલગામ આતંકવાદી હુમલા પર ભારતના મજબૂત, સફળ અને નિર્ણાયક ઓપરેશન પર ચર્ચા શરૂ કરી હતી. ચર્ચામાં ભાગ લેતા, વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે પહલગામ હુમલાના જવાબમાં ભારતની લશ્કરી કાર્યવાહી સરહદ પાર આતંકવાદનો સામનો કરવા માટે એક નવી શરૂઆત દર્શાવે છે.તેમણે કહ્યું કે 22 એપ્રિલના રોજ પહેલગામ હુમલા પછી, ભારતે પાકિસ્તાન સામે સિંધુ જળ સંધિને સ્થગિત કરવા સહીત અનેક દંડાત્મક પગલાં લીધાં છે. તેઓએ મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈપણ બાહ્ય મધ્યસ્થીનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે યુદ્ધવિરામમાં અમેરિકાની કોઈ ભૂમિકા નથી.ગૃહમાં ચર્ચા શરૂ કરતી વખતે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા કાયરતાપૂર્ણ હુમલાના જવાબમાં, ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી માળખા સામે લક્ષ્યાંકિત કાર્યવાહી કરી છે. શ્રી સિંહે કહ્યું, આ કાર્યવાહીમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા અને આતંકવાદીઓના નવ ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો.ચર્ચામાં ભાગ લેતા, કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા પરિસ્થિતિ પર પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે સરકાર પહેલગામમાં થયેલા કાયર આતંકવાદી હુમલાના ગુનેગારોને પકડવામાં નિષ્ફળ ગઈ છે. તેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન યુદ્ધવિરામની ઘોષણા પર પણ સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. સમાજવાદી પાર્ટીના રામશંકર રાજભરે પણ કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહે સશસ્ત્ર દળોની બહાદુરીની પ્રશંસા ન કરવા બદલ વિપક્ષની ટીકા કરી હતી. તેમણે ભારતીય સેનાની ક્ષમતાઓ અને સ્વદેશી ટેકનોલોજી પર પ્રશ્ન ઉઠાવવા બદલ વિપક્ષી નેતા રાહુલ ગાંધીની પણ ટીકા કરી હતી. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જી, તેલુગુ દેશમ પાર્ટીના લવુ શ્રીકૃષ્ણ સહિત અન્ય સભ્યોએ પણ ચર્ચામાં ભાગ લીધો હતો.
Site Admin | જુલાઇ 29, 2025 9:14 એ એમ (AM)
આજે લોકસભામાં ઓપરેશન સિંદૂર પર વિશેષ ચર્ચા ફરી શરુ થશે
