આજે રાજ્યભરમાં 10મા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવનનાં અધિકારીઓ અને કર્મચારીઓને ભારતના સંવિધાન માટે સંકલ્પબદ્ધ અને સમર્પિત રહેવાના અને રાષ્ટ્રીય અખંડિતતાના પણ શપથ લેવડાવ્યા હતા.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નર્મદા હોલ ખાતે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બંધારણના આમુખનું વાંચન કરવામાં આવ્યું હતું.
આ અગાઉ ગાંધીનગરનાં વિસ્ટા ગાર્ડન ખાતે થયેલી ઉજવણીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી તથા સામાજીક ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા, સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસનાં રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, વિશ્વમાં શ્રેષ્ઠ લેખિત બંધારણ ભારત પાસે છે.
ગાંધીનગરની ડાયરેકટોરેટ ઓફ પ્રોસિક્યુશન કચેરી દ્વારા આંજણા કેળવણી મંડળ સંસ્થા ખાતે ડાયરેક્ટર અંબાલાલ પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો ‘બંધારણ દિવસ’ની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો.
છોટાઉદેપુર જિલ્લામાં અલીપુરા ચોકડી ખાતે ભારતીય જનતા પાર્ટીનાં અનુસૂચિત મોરચા દ્વારા રેલી યોજવામાં આવી હતી.
મહિસાગર જિલ્લાના ૭૭ અમૃત સરોવર પર બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. લુણાવાડાના નાની પાલ્લી ગામે આવેલ અમૃત સરોવર ખાતે કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી.
ભરૂચમાં બામસેફ અને ઇન્સાફ સંગઠનના કાર્યકરો દ્વારા રેલ્વે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સંવિધાન અંગેના શપથ લેવામાં આવ્યા હતા. તેમજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ ઉજવણી કરાઇ હતી.
નવસારીમાં નેહરુ યુવા કેન્દ્રના યુવાનોએ “આપણા સંવિધાન, આપણો સ્વાભિમાન” ના નારાઓ સાથે સંકલ્પ પદયાત્રા યોજી ઉજવણી કરી હતી.
વેરાવળની ક્રિસ્ટલ સ્કૂલ ખાતે ‘બંધારણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી. જેમાં ઉપસ્થિત સૌ દ્વારા બંધારણના આમુખનું વાંચન કરવામાં આવ્યું.
દીવના અમારાં પ્રતિનિધિ ભારતી રાવલ જણાવે છે કે, સાઉદવાડી ગ્રામ પંચાયત દ્વારા બંધારણ દિવસની ઉજવણી અંતર્ગત આજે ગ્રામ સભા, શપથ સમારોહ અને જળ શક્તિ કાર્યક્રમ યોજાયો.