જમ્મુથી અમરનાથ યાત્રીઓની પ્રથમ ટૂકડી આજે બપોરે કાશ્મીર પહોંચી હતી. જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ આજે વહેલી સવારે જમ્મુ ખાતેના બેઝ કેમ્પથી અમરનાથ યાત્રાની પ્રથમ ટૂકડીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ જૂથમાં યાત્રા માટે કુલ પાંચ હજાર 892 યાત્રિઓએ પ્રસ્થાન કર્યું, જેમાં બે હજાર 489 યાત્રીઓએ બાલતાલ માર્ગથી અને ત્રણ હજાર 403 યાત્રીઓ અનંતનાગ માર્ગથી પવિત્ર ગુફા સુધી પહોંચશે.
ત્રણ હજાર 880 મીટરની ઉંચાઈએ સ્થિત અમરનાથ ધામની 38 દિવસની આ યાત્રા આવતીકાલે બંને માર્ગથી ઔપચારિક રીતે શરૂ થશે. આ વર્ષે યાત્રીઓની સલામતી માટે વધારાનાં પગલાં લેવામાં આવ્યા છે. અમરનાથ યાત્રા નવ ઑગસ્ટે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે પૂર્ણ થશે.