સરકારે આગામી વસ્તી ગણતરીમાં જાતિગત વસ્તી ગણતરીનો સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની રાજકીય કાર્યવાહી સમિતિમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે વસ્તી ગણતરી કેન્દ્રીય મુદ્દો છે.
કોંગ્રેસ પર પ્રહાર કરતાં શ્રી વૈષ્ણવે કહ્યું કે વિપક્ષી સરકારોએ હંમેશા જાતિગત વસ્તી ગણતરીનો વિરોધ કર્યો છે. વર્ષ 2010 માં, તત્કાલીન પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહે લોકસભામાં ખાતરી આપી હતી કે જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો મંત્રીમંડળમાં ધ્યાનમાં લેવામાં આવશે અને આ સંદર્ભમાં મંત્રીઓનું એક જૂથ બનાવવામાં આવશે. મોટાભાગના રાજકીય પક્ષો જાતિ વસ્તી ગણતરીની ભલામણ કરવા છતાં, કોંગ્રેસ સરકારે જાતિ વસ્તી ગણતરીને બદલે માત્ર સર્વેક્ષણ કરવાનો નિર્ણય લીધો.
શ્રી વૈષ્ણવે કહ્યું કે કોંગ્રેસ અને તેના ગઠબંધન ભાગીદારોએ જાતિ વસ્તી ગણતરીનો ઉપયોગ ફક્ત રાજકીય સાધન તરીકે કર્યો છે.
શ્રી વૈષ્ણવે કહ્યું કે કેબિનેટની આર્થિક બાબતોની સમિતિએ શિલોંગથી સિલચર સુધીના નવા ધોરીમાર્ગના નિર્માણને મંજૂરી આપી છે. તેના પર 22 હજાર 864 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. શ્રી વૈષ્ણવે કહ્યું કે આ પ્રોજેક્ટ ઉત્તર-પૂર્વ ક્ષેત્રના વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે. તેમણે કહ્યું કે આ ધોરીમાર્ગ 166 કિમીથી વધુ લાંબો હશે. આનાથી ત્રિપુરા, મિઝોરમ, મણિપુર અને આસામની બરાક ખીણની કનેક્ટિવિટીમાં સુધારો થશે.
મંત્રીમંડળે ખાંડ સીઝન 2025-26 માટે શેરડીનો વાજબી અને લાભદાયી ભાવ 355 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવાની પણ મંજૂરી આપી હતી. આ નિર્ણયથી પાંચ કરોડ શેરડી ખેડૂતો તેમજ ખાંડ મિલો અને સંબંધિત આનુષંગિક પ્રવૃત્તિઓમાં કાર્યરત પાંચ લાખ કામદારોને ફાયદો થશે.
Site Admin | એપ્રિલ 30, 2025 7:52 પી એમ(PM)
આગામી વસ્તી ગણતરીમાં જાતિગત વસ્તી ગણતરી પણ કરવાનો કેન્દ્રીય મંત્રીમંડળનો નિર્ણય.
