આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના જણાવ્યાઅનુસાર આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે. આજે ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે. આજે રાજ્યના 119 તાલુકાઓમાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ પોણા 2 ઇંચ જેટલો વરસાદ અમદાવાદ જિલ્લાના બાવળા, ધોળકા અને ગીર સોમનાથ જિલ્લાના તાલાલા, વેરાવળ, સૂત્રપાડામાં થયો છે.
કચ્છ જિલ્લામાં આજે ભુજ, રાપર, ભચાઉ, અંજાર, ગાંધીધામ અને અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસાયો હતો. જિલ્લાના તમામ પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગવાયું છે.
છોટાઉદેપુરમાં ત્રીજા દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વરસાદ વરસતા સુખી ડેમમાંથી 522 ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડાયું છે.
ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકામાં પણ વરસાદ થયાના અહેવાલ છે. ભરૂચ જિલ્લાના વાગરામાં 4 ઇંચ, હાસોટમાં 3 ઇંચ જ્યારે ભરૂચ, જંબુસર અને ઝઘડિયામાં 1 -1 ઇંચ વરસાદ થયો છે.
અરવલ્લી જીલ્લાના મોડાસા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલના પગલે 2 થી 3 ઇંચ જેટલો વરસાદ થયાના અહેવાલ છે. તો બનાસકાંઠા જિલ્લાના વડગામ, પાલનપુર, દિયોદર સહિતના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો.
Site Admin | ઓક્ટોબર 28, 2025 7:00 પી એમ(PM)
આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા- 119 તાલુકામાં આજે કમોસમી વરસાદ