આંધ્રપ્રદેશના કુર્નૂલમાં આજે વહેલી સવારે એક ખાનગી સ્લીપર બસ અને મોટરસાઇકલ વચ્ચે થયેલા અકસ્માતમાં બસમાં આગ લાગી હતી. જેમાં 20 થી વધુ મુસાફરોના મોત થયા હતા અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
મોટરસાઇકલ બસ નીચે ઘસડાતા આગ લાગી હતી જેના કારણે ઇંધણ ટાંકીમાં વિસ્ફોટ થયો હતો. શોર્ટ સર્કિટને કારણે દરવાજો જામ થઈ જતાં આગ ઝડપથી ફેલાઈ હતી. જેથી મુસાફરો અંદર ફસાઈ ગયા હતા. અત્યાર સુધીમાં 11 મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે. બાકીના પીડિતોની ઓળખ કરવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણનેએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીને ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી કામના કરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં થયેલી દુ:ખદ બસ દુર્ઘટનામાં અનેક લોકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. શ્રી મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી દરેક મૃતકના પરિવારને બે-બે લાખ રૂપિયા જ્યારે ઘાયલોને પચાસ હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને શક્ય તમામ સહયોગ આપવાની ખાતરી આપી છે. તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપીને તાત્કાલિક હેલ્પ લાઇન શરૂ કરવા નિર્દેશ આપ્યો હતો.
Site Admin | ઓક્ટોબર 24, 2025 2:58 પી એમ(PM)
આંધ્રપ્રદેશના કુર્નૂલમાં બાઇક સાથે અકસ્માત બાદ ખાનગી બસમાં આગની ઘટના- 20થી વધુ મુસાફરોના મોત