ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે યુધ્ધવિરામની જાહેરાતને પગલે યુધ્ધમાં અટવાઇ ગયેલા લાખો નાગરિકોને કામચલાઉ રાહત મળી છે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, બંને દેશોના વહીવટીતંત્રોએ શાંતિની માંગણી સાથે તેમની સરકારનો સંપર્ક કર્યો હતો.
તેમણે જણાવ્યું કે, તેમની રાજદ્વારી અને સલામતી ટીમોએ સંધિ કરાવવા સમગ્ર રાત્રિ દરમિયાન કામ કર્યું હતું. ઇરાનનાં શહેરો પર ઇઝરાયેલના હૂમલા અટક્યા તેનાં થોડાં સમય બાદ યુધ્ધવિરામ અમલી બન્યો હતો.
ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ શ્રી ટ્રમ્પનાં યુધ્ધવિરામ પ્રસ્તાવ પર સંમતિ વ્યક્ત કરી છે. જો કે તેમણે જણાવ્યું કે યુધ્ધવિરામના ભંગનો જોરદાર જવાબ આપવામાં આવશે. દુશ્મન પર સંધિ લાદવામાં આવી હોવાની ઇરાનના સરકારી માધ્યમોની જાહેરાત બાદ યુધ્ધવિરામ જાહેર કરાયું હતું.
જો કે સંધિ છતાં અનિશ્ચિતતા યથાવત છે. ઇરાને જણાવ્યું છે કે, ઇઝરાયેલ હૂમલો કરશે તો તે જવાબ આપવાનુ ચાલુ રાખશે.
અમેરિકાએ બે દિવસ પહેલાં ઇરાનના પરમાણુ મથકો પર કરેલા હૂમલાનાં જવાબમાં ગઈ રાત્રિએ ઇરાને કતારમાં અમેરિકન હવાઇમથક પર કરેલા મિસાઇલ હૂમલાનાં કલાકો બાદ યુધ્ધવિરામની જાહેરાત થઈ હતી.
હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ્સ સમાચાર સંસ્થાના જણાવ્યા પ્રમાણે 22મી જૂન સુધીમાં ઇરાનમાં 215 લશ્કરી જવાનો, 363 નાગરિકો અને 287 અજાણી વ્યક્તિઓ સહિત 865 લોકોનાં મૃત્યુ થયા છે અને ત્રણ હજાર 300 લોકોનાં મૃત્યુ થયા છે. યુધ્ધને પગલે લાખો લોકોને પોતાનાં ઘરો છોડીને જવાની ફરજ પડી છે. ઇઝરાયેલમાં પણ જાનહાનિ થઈ છે. ઇરાનની મિસાઇલોથી 24 નાગરિકોનાં મૃત્યુ થયા છે અને 600 લોકોને ઇજા થઈ છે.
Site Admin | જૂન 24, 2025 1:58 પી એમ(PM)
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થીથી ઇઝરાયેલ-ઇરાન વચ્ચે યુધ્ધવિરામ