જૂન 24, 2025 7:53 એ એમ (AM)

printer

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાન અને ઇઝરાયેલ સંપૂર્ણ યુદ્ધવિરામ માટે સંમત થયા હોવાની જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ઈરાન અને ઇઝરાયેલ સંપૂર્ણ યુદ્ધવિરામ માટે સંમત થયા છે, જે આગામી કલાકોમાં અમલમાં આવશે. કતારમાં અમેરિકાનાં હવાઈ મથક પર ઈરાની મિસાઈલ હુમલાના થોડા સમય બાદ ગઈકાલે રાત્રે આ જાહેરાત કરવામાં આવી હતી.
ટ્રુથ સોશિયલ પર એક નિવેદનમાં ટ્રમ્પે જણાવ્યું કે બંને દેશો દ્વારા તેમનાં અંતિમ મિશન પૂર્ણ થઈ જશે ત્યારે યુદ્ધવિરામ શરૂ થશે. નિવેદન અનુસાર, યુદ્ધવિરામનો તબક્કાવાર અમલ કરવામાં આવશે.
જોકે, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ઇઝરાયેલ સાથે યુદ્ધવિરામ પર કોઈ પણ સમજૂતીને નકારી કાઢી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં અરાઘચીએ કહ્યું કે સૈન્ય કાર્યવાહી બંધ કરવા અંગેનો અંતિમ નિર્ણય પછીથી લેવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જો ઇઝરાયેલ ઈરાની લોકો સામે તેના ગેરકાયદેસર આક્રમણને અટકાવે તો તહેરાનો પ્રતિસાદ ચાલુ રાખવાનો કોઈ ઇરાદો નથી.
દરમિયાન, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ સાથે સંકળાયેલી ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો હતો કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા પ્રસ્તાવિત યુદ્ધવિરામની યોજના સંપૂર્ણપણે ખોટી છે અને તેનો હેતુ લોકોનું ધ્યાન હટાવવાનો હતો. એજન્સીએ એમ પણ જણાવ્યું હતું કે, ટ્રમ્પના દાવાઓથી વિપરીત, ઈરાનને યુદ્ધવિરામ માટે કોઈ સત્તાવાર અથવા બિનસત્તાવાર પ્રસ્તાવ મળ્યો નથી