જૂન 13, 2025 8:11 એ એમ (AM)

printer

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં કુલ 241 પ્રવાસીઓનાં મૃત્યુઃ એક બ્રિટિશ નાગરિકનો બચાવ

અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાની ઔપચારિક તપાસ વિમાન અકસ્માત તપાસ સંસ્થાએ શરૂ કરી છે. દરમ્યાન એર ઇન્ડિયાએ પુષ્ટિ આપી છે કે અમદાવાદથી લંડન જઈ રહેલા વિમાન દુર્ઘટનામાં 241 લોકોના મોત થયા છે. અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ ગઈકાલે બપોરે પોણા બે વાગ્યે વિમાન ક્રેશ થયું હતું. વિમાનમાં 242 મુસાફરો પૈકી 169 ભારતીય, 53 બ્રિટનના, પોર્ટુગલના સાત અને કેનેડાનો એક વ્યક્તિ હતો. આ ઉપરાંત, બે પાઇલટ અને દસ ક્રૂ સભ્યો હતા. મૃતકોમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા વિજય રૂપાણીનો પણ સમાવેશ થાય છે. રમેશ વિશ્વામસ કુમારનો આ અકસ્માતમાં આબાદ બચાવ થયો.
વિમાન ઉત્પાદક કંપની બોઇંગે કહ્યું છે કે તે એર ઇન્ડિયાના સંપર્કમાં છે અને કોઈપણ પ્રકારની સહાય પૂરી પાડવા માટે તૈયાર છે. ક્રેશ થયેલ બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન 2014 માં એર ઇન્ડિયાને સોંપવામાં આવ્યું હતું. ગઈકાલે આ વિમાન દુર્ઘટના બાદ બોઇંગના શેરમાં ચાર ટકાથી વધુનો ઘટાડો થયો હતો.
ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરને દરેક મૃતકના પરિવારને કંપની તરફથી એક કરોડ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ટાટા ગ્રુપ ઇજાગ્રસ્તોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરશે અને સારવારનો ખર્ચ ઉઠાવશે. તેમણે કહ્યું કે ટાટા ગ્રુપ બીજે મેડિકલ કોલેજના ક્ષતિગ્રસ્ત હોસ્ટેલના સ્થાને એક નવી હોસ્ટેલ બનાવવામાં પણ મદદ કરશે….
ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે અમદાવાદમાં અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરવા માટે બેઠક યોજી હતી. બેઠક બાદ શ્રી શાહે પત્રકારોને જણાવ્યું હતું કે આખો દેશ આ અકસ્માતથી આઘાતમાં છે અને મૃતકોના પરિવાર સાથે છે.
ગૃહમંત્રીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. તેમણે ડોક્ટરોને મળ્યા હતા અને તબીબી વ્યવસ્થાઓની પણ સમીક્ષા કરી હતી.