અમદાવાદ વિમાન દુર્ઘટનાનાં 32 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ 14 મૃતદેહ પરિવારજનો સોંપાયા છે. રાજ્ય સરકાર દ્વારા મૃતદેહોની ઓળખની કામગીરી અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે જણાવ્યું કે, જે ડીએનએ સેમ્પલ મેચ થયા છે તેમનાં પાર્થિવદેહ પરિવારજનોને સન્માનપૂર્વક સોંપવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, દરેક મૃતકના પરિવાર માટે એક અલાયદી ટીમ ફાળવવામાં આવી છે. આ ટીમમાં એક વરિષ્ઠ અધિકારી, પોલીસકર્મી અને એક પ્રોફેશનલ કાઉન્સેલરનો સમાવેશ થાય છે.
દરમિયાન, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ X પર જણાવ્યું છે કે, દુર્ઘટના સ્થળે મળી આવેલી દરેક વસ્તુને કાળજીપૂર્વક એકત્રિત કરવામાં આવશે અને મૃતકનાં પરિવારજનોને સોંપવામાં આવશે. શ્રી સંઘવીએ જણાવ્યું કે, અમારી ટીમ આ પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થાય તે માટે નાગરિક ઉડ્ડયન વિભાગ સાથે સંકલનમાં કામ કરી રહી છે.
તેમણે જણાવ્યું કે, તમામ લાગુ પડતા નિયમો પ્રમાણે કાળજીપૂર્વક અને સંવેદનશીલતાથી મૃતક પ્રવાસીઓનો સામાન પરત કરવામાં આવશે.