અફઘાનિસ્તાન અને પાકિસ્તાન ઘણા દિવસો સુધીની ભીષણ લડાઈ બાદ યુદ્ધવિરામ માટે સંમત થયા છે. કતારના વિદેશ મંત્રીએ ગઈકાલે આ જાહેરાત કરી હતી. ગઈકાલે દોહામાં કતાર અને તુર્કીની મધ્યસ્થી હેઠળ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે થયેલી વાટાઘાટો દરમિયાન આ કરાર થયો હતો.કતારના વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે બંને દેશોના પ્રતિનિધિઓ સરહદ પર તાત્કાલિક યુદ્ધવિરામ અને શાંતિ સુનિશ્ચિત કરવા માટે ચર્ચા ચાલુ રાખવા સંમત થયા હતા.અફઘાન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંરક્ષણ મંત્રી મોહમ્મદ યાકુબ કરી રહ્યા હતા, જ્યારે પાકિસ્તાની પ્રતિનિધિમંડળમાં સંરક્ષણ મંત્રી ખ્વાજા હાફિઝ અને ISI વડા જનરલ અસીમ મલિકનો સમાવેશ થતો હતો.અગાઉ અફઘાનિસ્તાને પાકિસ્તાન પર 48 કલાકના યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. લગભગ એક અઠવાડિયા સુધી ચાલેલી ભીષણ લડાઈ બાદ 48 કલાકનો યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો હતો. અથડામણમાં બંને દેશોના ઘણા સૈનિકો અને નાગરિકો માર્યા ગયા હતા.પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બે હજાર 600 કિલોમીટરનો સરહદી વિવાદ ધરાવે છે. શુક્રવારે ટૂંકા યુદ્ધવિરામ બાદ પાકિસ્તાને અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં શ્રેણીબદ્ધ હવાઈ હુમલા શરૂ કર્યા હતા, જેમાં ત્રણ અફઘાન ક્રિકેટ ખેલાડીઓ સહિત 17 લોકો માર્યા ગયા હતા.
Site Admin | ઓક્ટોબર 19, 2025 8:27 એ એમ (AM)
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન ઘણા દિવસો સુધીની ભીષણ લડાઈ બાદ યુદ્ધવિરામ માટે સંમત થયા
