પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સરકાર 21મી સદીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે દેશની શિક્ષણ પ્રણાલીનું આધુનિકીકરણ કરી રહી છે અને દેશના દરેક વિદ્યાર્થી માટે વિશ્વ કક્ષાનું જ્ઞાન લાવવામાં આવી રહ્યું છે. શ્રી મોદીએ આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સરકાર, શિક્ષણવિદો, ઉદ્યોગ અને નવીનતા માટે યોજાયેલી યુગ્મ પરિષદમાં બોલતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે ભાર મૂક્યો હતો કે દેશનું ભવિષ્ય તેના યુવાનો પર નિર્ભર છે, તેથી જ તેમને ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે તૈયાર કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, નવી શિક્ષણ નીતિ દેશમાં પરિવર્તન લાવી રહી છે.
નવા સંશોધનો અને નવિનિકરણ માટે યુગ્મને પ્રધાનમંત્રીએ નવા શિખરો સર કરનારુ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે વિકસિત ભારત માટેના સંકલ્પને સાકાર કરવાના સહિયારા પ્રયાસોને યુગ્મ વધુ બળ આપશે. તેમણે કહ્યું હતુંકે ડિપટેકમાં ભારતની ભૂમિકાને પણ યુગ્મ વધુ મજબૂત બનાવશે તેમ પણ પ્રધાનમંત્રીએ ઉમેર્યુ હતું.