શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિધાનસભા ગૃહમાં જણાવ્યું કે, રોજગાર કચેરીઓના માધ્યમથી રોજગારવાંચ્છુ યુવાઓને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં વર્ષ 2002થી સતત પ્રથમ રહ્યું છે. માત્ર છેલ્લા પાંચ વર્ષમાં જ ગુજરાતની રોજગાર કચેરીઓ દ્વારા 13 લાખ 86 હજારથી વધુ ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. પરિણામે ગુજરાતનો બેરોજગારી દર દેશમાં સૌથી ઓછો છે.
શ્રી રાજપૂતે ઉમેર્યું કે ખાનગી ઉત્પાદનલક્ષી એકમોમાં મેનેજર-સુ૫રવાઈઝરી કક્ષામાં 60 ટકા તેમજ કામદાર કક્ષામાં 85 ટકા મળી એકંદરે ઓછામાં ઓછી 85 ટકા રોજગારી સ્થાનિકોને આપવાની જોગવાઈ છે. દરેક જિલ્લામાં સ્થાનિક રોજગારીની ટકાવારી જળવાઈ રહે તે માટે સતત મોનિટરિંગ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.
વિધાનસભામાં જુનાગઢ જિલ્લામાં માનવ કલ્યાણ યોજના અંતર્ગત પૂછાયેલા પ્રશ્નોનાં જવાબમાં રાજ્યના કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે આ યોજના હેઠળ જુનાગઢ જિલ્લામાં છેલ્લાં એક વર્ષમાં 2 હજાર 404 લાભાર્થીઓને સહાય ચૂકવાઈ છે.
શ્રી રાજપૂતે જણાવ્યું કે નાના પ્રકારના ધંધા રોજગાર કરતાં સમાજના નબળા વર્ગના વાર્ષિક છ લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા કુટુંબો તેમની આવકમાં વધારો કરી શકે, તે માટે નાના પ્રકારના વેપાર-ધંધા કરવા માટે અલગ અલગ ૧૦ ટ્રેડમાં ઇ-વાઉચર પદ્ધતિથી સહાય આપવામાં આવે છે.
આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીએ ઇ-કુટિર પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહે છે. જેની ચકાસણી બાદ મંજૂર થયેલી અરજીઓમાંથી ડ્રો કરીને પસંદગી કરવામાં આવે છે અને તેમને ઈ-વાઉચરના માધ્યમથી સહાય આપવામાં આવે છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
Site Admin | માર્ચ 6, 2025 7:27 પી એમ(PM)
રોજગાર કચેરીઓના માધ્યમથી રોજગારવાંચ્છુ યુવાઓને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં વર્ષ 2002થી સતત પ્રથમ રહ્યું છે. – શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત
