N.I.A – રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન I.S.I.S.ના સ્લિપર મૉડ્યુલના બે સભ્યોની ધરપકડ કરી છે. વર્ષ 2023માં મહારાષ્ટ્રના પુણેમાં I.E.D.ના નિર્માણ અને પરીક્ષણ સાથે જોડાયેલા મામલે આ ધરપકડ કરવામાં આવી છે. N.I.A.-એ જણાવ્યું, આરોપીઓને ઇન્ડોનેશિયાના જકાર્તાથી ભારત પરત આવતા સમયે મુંબઈ આંતર-રાષ્ટ્રીય વિમાનમથક પરથી પકડવામાં આવ્યા છે.
N.I.A.-એ વધુમાં જણાવ્યું, બે વર્ષથી ફરાર બંને આરોપી સામે બિનજામીનપાત્ર વૉરન્ટ જાહેર કરાયું હતું. હવે અન્ય આરોપીઓની સાથે સાથે આ બંને આરોપીઓ સામે પણ આરોપપત્ર દાખલ કરાયું છે. આ આરોપી પુણેના એક ઘરમાં I.E.D. બનાવવાનું કામ કરતા હતા.
N.I.A.-એ જણાવ્યું, આ બંને આરોપીએ બૉમ્બ બનાવવા અને તાલીમ કાર્યશાળાનું આયોજન કર્યું હતું અને આ સ્થળો પર તેમણે બનાવેલા I.E.D.નું પરીક્ષણ કરવા માટે એક નિયંત્રિત વિસ્ફોટ પણ કર્યો. N.I.A.-એ બંને આરોપી અંગે માહિતી આપનારા લોકો માટે ત્રણ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. આ અંગે તપાસ ચાલી રહી છે.