રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, દીકરીઓને શ્રેષ્ઠ શિક્ષણ પૂરું પાડવું એ મહિલા-નેતૃત્વ વિકાસને પ્રોત્સાહન આપવાનો સૌથી અસરકારક માર્ગ છે. આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2025 એનાયત કર્યા બાદ સભાને સંબોધતા રાષ્ટ્રપતિએ ભાર મૂક્યો કે છોકરીઓના શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ. તેમણે ઉમેર્યું કે દીકરીઓના શિક્ષણમાં રોકાણ એ પરિવારો, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં અમૂલ્ય યોગદાન છે. રાષ્ટ્રપતિએ ખુશી વ્યક્ત કરી કે તાજેતરના વર્ષોમાં ઉચ્ચ શિક્ષણમાં છોકરીઓના કુલ નોંધણી ગુણોત્તરમાં નોંધપાત્ર વધારો થયો છે.
સુશ્રી મુર્મુએ કહ્યું, શિક્ષણ લોકોને સશક્ત બનાવે છે, નબળા પૃષ્ઠભૂમિના બાળકોને નોંધપાત્ર પ્રગતિ પ્રાપ્ત કરવા સક્ષમ બનાવે છે. તેમણે કહ્યું કે, ખોરાક, કપડાં અને આશ્રયની જેમ, શિક્ષણ વ્યક્તિના ગૌરવ અને સુરક્ષા માટે જરૂરી છે. રાષ્ટ્રપતિ મુર્મુએ ભાર મૂક્યો કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 શાળા સ્તરે શિક્ષણને વધુ સુલભ અને સરળ બનાવવા પર વિશેષ ભાર મૂકે છે.