રાજ્યમાં સ્વામિત્વ યોજના અંતર્ગત મિલકતધારકોને સનદ હવે વિનામૂલ્યે અપાશે. તેમને સનદ માટે હવે 200 રૂપિયા ફી નહીં ચૂકવવી પડે. આ સાથે જ રાજ્ય સરકારના નિર્ણયથી મિલકતધારકોને સનદ મેળવવાના નાણાકીય ભારણથી મુક્તિ મળશે.
ગ્રામીણ વિસ્તારોના મિલકતધારકોને પ્રૉપર્ટી કાર્ડ આપવાના હેતુથી ગામડાઓની વસતિનો સર્વેક્ષણ અને ગ્રામ્ય વિસ્તારમાં સુધારેલી ટૅકનોલોજી સાથે આલેખન એટલે કે, સ્વામિત્વ યોજના શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકારે 200 રૂપિયાની મોજણી એટલે કે, સરવે ફી લઈને અપાતી સનદ હવે ગ્રામીણ મિલકતધારકોને નિઃશુલ્ક આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી રાજ્યમાં ‘સ્વામિત્વ’ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોના મિલકતધારકોને પ્રૉપર્ટી કાર્ડની નકલ ઉપરાંત તેમના રહેણાંકની મિલકતના હક્ક દર્શાવતી ‘સનદ’ પણ વિનામૂલ્યે મળશે. તેનાથી 25 લાખ જેટલા લોકને લાભ થશે.