રાજ્યમાં આજે ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા-ચૂંટણી માટે શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે.
મોરબી જિલ્લાની પાંચ તાલુકાની 40 ગ્રામ પંચાયત પર મતદાન ચાલી રહ્યું છે. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણીનું મતદાન થાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
ગાંધીનગર જિલ્લાના વિવિધ ગામમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. આ ચૂંટણીમાં વયોવૃદ્ધ લોકો પણ ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે. કલોલ તાલુકાના નારદીપુર ગામના 85 વર્ષીય વૃદ્ધા દીવાબેન વાઘેલા તેમના પૌત્ર સાથે વહેલી સવારે મતદાન કરવા પહોંચ્યા હતા. આ જ ગામના 89 વર્ષના કાંતિભાઈ પ્રજાપતિ પોતે લકવાગ્રસ્ત હોવા છતાં મતદાનની ફરજ નિભાવી હતી.
મહીસાગર જિલ્લાના 6 તાલુકાના 253 બુથ પર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. ખાનપુર, લુણાવાડા, વીરપુર, બાલાસિનોર, કડાણા અને સંતરામપુરમાં વરસાદી માહોલ વચ્ચે લોકો મતદાન કરી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાના વકતાપુર ગામમાં વરસાદી માહોલમાં પણ મહિલાઓમાં મતદાન માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો.
બોટાદ જિલ્લાના 4 તાલુકાની 92 ગ્રામ પંચાયતોમાં મતદાન થઈ રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 15 જેટલી ગ્રામ પંચાયતો સમરસ થઇ છે. ત્યારે બાકીની 69 ગ્રામ પંચાયતો માટે મતદાન થઈ રહ્યું છે જેમાં સરપંચ પદના 170 ઉમેદવાર મેદાનમાં છે. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ નખત્રાણાના સુખપર ખાતે મતદાન કર્યું. બનાસકાંઠામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે ત્યારે સાંસદ ગેનીબેન ઠાકોરે પોતાના વતન ભાભર તાલુકાના અબાસણા ખાતે મતદાન કર્યું હતું.
જામનગર જિલ્લામાં 187 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. જિલ્લામાં કુલ 426 મતદાન મથકો પૈકી 101 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરાયા છે. ડાંગ જિલ્લામાં કુલ 42 ગ્રામ પંચાયતોમાં 37 સરપંચો અને 234 વોર્ડ સભ્યોની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. જૂનાગઢ જિલ્લાની 73 ગ્રામ પંચાયતો માટે સરપંચ પદના 185 તથા 717 સભ્ય પદ માટે સહિત 903 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
ગીરસોમનાથ જિલ્લાના વેરાવળમાં 8 ગ્રામ પંચાયત, કોડીનારમાં 24 ગ્રામ પંચાયત, સુત્રાપાડામાં 6, તાલાળામાં 10, ઉનામાં 6 અને ગીર ગઢડામાં 9 ગ્રામ પંચાયતમાં મતદાન થઈ રહ્યું છે. મહેસાણા જિલ્લા ગ્રામ પંચાયતોમાં 11 વાગ્યા સુધી 26.96 ટકા મતદાન થયું છે.
પંચમહાલ જિલ્લાની ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં 26.49 ટકા જ્યારે પેટા ચૂંટણીમાં 26.90 ટકા મતદાન નોંધાયું છે. તાપી જિલ્લાની 47 જેટલી ગ્રામ પંચાયત ખાતે સવારથી મતદાન થઈ રહ્યું છે.
25 જૂનના રોજ મતગણતરી હાથ ધરાશે.
Site Admin | જૂન 22, 2025 4:05 પી એમ(PM)
રાજ્યમાં આજે ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા-ચૂંટણી માટે શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે.
