હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. દરિયા વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં રાજકોટ, જૂનાગઢ અને કચ્છ જેવા જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
આજે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.
ગઇકાલે સૌથી વધુ વરસાદ જૂનાગઢના માળીયા હાટિયામાં 5.3ઇંચ, વિસવાદરમાં 4.65 ઇંચ,સુરતમાં 4.70, નવસારીમા 4.25 ઇંચ જયારે સુરતના બારડોલી અને કામરેજમાં3-3 ઇંચ,પોરબંદરના રાણવાવમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે.
તો પાવાગઢ શક્તિ પીઠ ખાતે વર્ષાઋતુની વનરાજીના નયનરમ્ય દ્રશ્યો, ઠેર ઠેર ઝરણાં અને ધોધની મજા સાથે દર્શનનો લ્હાવો લેવા પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો.
પોરબંદર સમગ્ર જિલ્લામાં 1 થી 3 ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ ઉપરવાસમાં વરસેલા વરસાદને પગલે રાણા ખીરસરા ડેમના 2 દરવાજા 0.15 મીટર ખોલી નાખવામાં આવતા પોરબંદર જિલ્લાના 4 ગામને સાવચેત કરવામાં આવ્યા છે.
નવસારી તાલુકામાં SDRFની ટીમ તથા સ્થાનિક તંત્રે સંભવિત પુર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. નખત્રાણા ,ભુજ અબડાસા અને લખપત તાલુકામાં વરસાદ પડતાં વીજ પુરવઠો ખોરવાયો હતો.
સાબરકાંઠા જિલ્લામાં ઇડર ,વાદળી, ખેડબ્રહ્મા સહિતના પંથકમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો.
Site Admin | જૂન 27, 2025 10:40 એ એમ (AM)
રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
