વેસ્ટન ડિસ્ટબન્સને કારણે પલટાયેલા હવામાનના પગલે રાજયભરમાં ગઇકાલે ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે. રાજ્યના 53 તાલુકાઓમાં ગઇકાલે હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ ભાવનગર જિલ્લાના શિહોર અને ભાવનગર શહેરમાં નોંધાયો છે.અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ભાવનગરમાં અને શિહોરમાં ઉપરાંત વલભીપુર અને ઉમરાળા, ગોહિલવાડ પંથકમાં વરસાદ પડ્યા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.અરવલ્લી જિલ્લામાં મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ જિલ્લાના મોડાસા, મેઘરજ, માલપુર, બાયડ, ભિલોડા સહિતના વિવિધ વિસ્તારોમાં ભારે વંટોળ ફુંકાયું હતું અને ધોધમાર વરસાદ વરસ્યો હતો.બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતે ભારે ગાજવીજ પવન અને કરા સાથે વરસાદ પડ્યો હતો. જિલ્લાના વાવ, થરાદ, ભાભર, કાંકરેજ, દિયોદર, લાખણી ડીસા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો,નર્મદાના જિલ્લામાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ રાજપીપલામાં ગાજવીજ સાથે વાવાઝોડું ફૂંકાયું હતું. વાવાઝોડા સાથે રાજપીપલામાં હળવા વરસાદથી વીજ પુરવઠો ખોરવાતા રાજપીપલામાં અંધારપટ છવાયો હતો.નવસારી જિલ્લાના ચીખલી, બીલીમોરા, ગણદેવી અને ડાંગના વઘઈ, સાપુતારા, આહવા સહિતના વિસ્તારોમાં વરસાદ નોધાતા કેરીના પાકને ભારે નૂકશાનની ભિતી સર્જાય છે.છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં વાવઝોડા બાદ વરસાદ પડતાં અનેક ઘરના છાપરા ઊડી ગયા હતા.સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર મુળી, લખતર વિસ્તારોમાં પવન સાથે વરસાદ નોંધાયો હતો.પાટણ શહેરમાં ભારે પવનને કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.અમદાવાદ શહેરમાં પણ ભારે વંટોળ બાદ ધોધમાર વરસાદી ઝાપટું પડાવથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.દ્વારકા જિલ્લામાં ખંભાળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગત મોડી રાત્રે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.આ કમોસમી વરસાદથી તલ, બાજરી, મગ સહિતના ઉનાળુ પાકોને નુકશાનની ભીતીથી ખેડૂતો ચિંતાતૂર બન્યા હતા.રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવનના પગલે વૃક્ષો હોર્ડિંગ્સ દીવાલ પાડવાની ઘટનાઓ નોંધાઈ છે.
Site Admin | મે 6, 2025 10:14 એ એમ (AM)
રાજ્યભરમાં ગઇકાલે આવેલા વાવાઝોડાને કારણે વ્યાપક નુકસાન – અલગ અલગ બનાવોમાં પાંચના મોત.
