રાજ્યમાં ગઈકાલે 86 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો. ગઈકાલે રાતે 10 વાગ્યા સુધીમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 3.39 ઇંચ વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠાના પાલનપુરમાં 2.8, ડાંગના આહવામાં 2.68, જ્યારે અમરેલીના ખાંભામાં 2.56 ઇંચ વરસાદ વરસ્યો.ભાવનગર જિલ્લાના અમારા પ્રતિનીધી જણાવે છે કે, વલભીપુરમાં દોઢ ઇંચ, ઘોઘામાં એક ઇંચ અને ભાવનગર શહેરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો. ગોહિલવાડ પંથકમાં ગત મોડી સાંજે વરસાદ થતા ગરમીમાંથી રાહત મળી. સિહોર તાલુકાના ટાણા ગામમા વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ થતાં વીજ પુરવઠો ખોરવાયો.બનાસકાંઠાના અંબાજી, દાંતા, પાલનપુર, વડગામ, ધાનેરા, થરાદ સહિતના વિસ્તારમાં ક્યાંક ઝરમર તો ક્યાંક એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો. સાબરકાંઠા જિલ્લામાં ઈડર અને વડાલી પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો.અમરેલીના સાવરકુંડલામાં જાબાળ ગામમાં બળદગાડું પાણીમાં તણાઇ જતાં 75 વર્ષના એક વ્યક્તિનું મોત નીપજ્યું. જ્યારે તેમના પુત્રનો આબાદ બચાવ થયો. ધારી તાલુકાના બોરડી ગામે એક યુવાને ચાલુ વરસાદે ઝાડ નીચે આશ્રય લેતા જ ઝાડ પર વીજળી પડવાથી તેનું મોત થયું હતું. જ્યારે અન્ય એક યુવકને ઈજા પહોંચી.મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ પડતાં વીજ પુરવઠો ઠપ થયો. વૃક્ષો પડવાના કારણે વીજ વાયર અને અન્ય નુકસાન થતા વીજ પુરવઠો ખોરવાયો.દરમ્યાન હવામાન વિભાગે આગામી 2 દિવસ રાજ્યમાં તોફાની પવન અને વીજળી સાથે વાવાઝોડાની આગાહી કરી છે. અમરેલી, જિલ્લામાં પણ આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે.
Site Admin | જૂન 16, 2025 9:33 એ એમ (AM)
રાજ્યના 86 તાલુકામાં વરસાદ, અમરેલીમાં બેના મોત
