મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઉનાળા દરમિયાન પીવાના પાણીના આયોજનની સમીક્ષા કરી હતી. ગાંધીનગરમાં ગઈકાલે યોજાયેલી ઉચ્ચ-સ્તરીય બેઠકમાં શ્રી પટેલે આ માટે પાણી પૂરવઠા વિભાગ, જળસંપત્તિ વિભાગ અને સરદાર સરોવર નર્મદા નિગમ ત્રણેયના સંકલનથી લોકોને પીવાનું પૂરતું પાણી મળે તે સુનિશ્ચિત કરવાના દિશા-નિર્દેશ આપ્યા હતા.આ ઉપરાંત પાણી પૂરવઠાની સ્થિતિ પર દેખરેખ રાખવા ગાંધીનગરમાં 24 ગુણ્યા સાત કન્ટ્રૉલ રૂમ અને એક, નવ, એક, છ ટૉલ-ફ્રી નંબર કાર્યરત્ કરાયો છે. સાથે જ તેની અને હૅન્ડ પમ્પ સમારકામ માટે 119 જેટલી ટુકડી નિયુક્ત કરવામાં આવી હોવાનું અગ્રસચિવ શાહમીના હુસેને બેઠકમાં જણાવ્યું હતું.શ્રી પટેલ સમક્ષ રજૂ કરાયેલા પ્રેઝન્ટેશનમાં રાજ્યના જળાશયોની હાલની સ્થિતિ તેમજ પાણી પૂરવઠા વિભાગ દ્વારા લોકોને સરળતાથી પીવાનું પાણી મળી રહે તે માટેની કામગીરીનું વિવરણ અપાયું હતું.
Site Admin | એપ્રિલ 16, 2025 9:39 એ એમ (AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉનાળા દરમિયાન લોકોને પીવાનું પૂરતું પાણી મળે તે સુનિશ્ચિત કરવા દિશા-નિર્દેશ આપ્યા
