પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઇસ્લામાબાદને એક કડક સંદેશ આપતા કહ્યું કે પાકિસ્તાનમાં એવી કોઈ જગ્યા બાકી નથી જ્યાં આતંકવાદીઓ શાંતિથી શ્વાસ લઈ શકે. તેમણે કહ્યું કે, ભારત પાસે આતંકવાદીઓને તેમના ઘરોમાંથી ખતમ કરવાની ક્ષમતા છે. શ્રી મોદીએ પંજાબના આદમપુરમાં એરફોર્સ સ્ટેશન ખાતે વાયુસેનાના યોદ્ધાઓ અને સૈનિકો સાથે વાતચીત કરતી વખતે આ મુજબ જણાવ્યું હતું. ઓપરેશન સિંદૂરની સફળતાને બિરદાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે,ભારતે પાકિસ્તાનમાં નવ આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો છે અને 100 થી વધુ આતંકવાદીઓને ખતમ કર્યા છે.
શ્રી મોદીએ કહ્યું કે, ઓપરેશન સિંદૂરે દેશનું મનોબળ વધાર્યું છે, દેશને એકતાની દોરીમાં બાંધ્યો છે અને ભારતની સરહદોનું રક્ષણ કર્યું છે. તેમણે કહ્યું કે, સશસ્ત્ર દળોએ દેશના ગૌરવને એક નવી ઊંચાઈ આપી છે જે અભૂતપૂર્વ, અકલ્પનીય અને અસાધારણ છે. તેમણે કહ્યું કે, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા અને માત્ર 20-25 મિનિટમાં સરહદ પારના લક્ષ્યો પર હુમલો કર્યો, તે દર્શાવે છે કે આ આધુનિક ટેકનોલોજીથી સજ્જ એક વ્યાવસાયિક દળ તે હાંસલ કરી શકે છે.