ભારતીય સશસ્ત્ર દળોએ ઈસ્લામાબાદની ઉશ્કેરણીજનક કાર્યવાહીના જવાબમાં ટેકનિકલ માળખા, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, રડાર સાઇટ્સ અને હથિયાર સંગ્રહ વિસ્તારો સહિત પાકિસ્તાની સૈન્ય લક્ષ્યો પર હુમલા કર્યા છે. જ્યાંથી હુમલા થતા હતા તેવા રફિકી, મુરીદ, ચકલાલા, રહીમયાર ખાન સહિત અન્ય સ્થળોને નિશાન બનાવ્યા હતા..
ઓપરેશન સિંદૂર અંતર્ગત વિદેશ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય દ્વારા યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને કર્નલ સોફિયા કુરેશીએ સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો આપી હતી. તેમણે માહિતી આપી હતી કે પાકિસ્તાની સેના ભારતની પશ્ચિમ સરહદ પર આક્રમક રીતે હુમલા કરી રહી છે અને સ્થિતીને વિપરિત કરવા માટે તેના સૈનિકોને આગળ મોકલી રહી છે. કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતીય સશસ્ત્ર દળો કોઇપણ સ્થિતીને પહોંચી વળવા માટે સજ્જ છે અને તમામ કાર્યવાહીનો અસરકારક રીતે જવાબ આપવામાં આવી રહ્યો છે.
ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનની કાર્યવાહીના જવાબમાં માત્ર ચોક્કસ લશ્કરી લક્ષ્યો પર ચોકસાઇપૂર્વક હુમલો કર્યો હતો તેવી પણ કર્નલ સોફિયા કુરેશીએ માહિતી આપી હતી.
કર્નલ સોફિયા કુરેશીએ વધુ માહિતી આપતા કહ્યું હતું કે પાકિસ્તાની સેના ડ્રોન, લાંબા અંતરના શસ્ત્રો, વિસ્ફોટકો અને લડાકુ વિમાનોનો ઉપયોગ કરીને પશ્ચિમી સરહદો પર સતત હુમલો કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, ભારતે આ હુમલાઓને નિષ્ફળ બનાવી દીધા છે.. તેમણે ઉમેર્યું હતું કે, પાકિસ્તાને શ્રીનગરથી છાલિયા સુધી 26થી વધુ સ્થળોએ હવાઈ માર્ગે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.
ઉધમપુર, ભુજ, પઠાણકોટ, ભટિંડામાં વાયુસેનાના મથકો પર દેશના સાધનો અને કર્મચારીઓને નુકસાન પહોંચાડ્યું હતું. કર્નલ કુરેશીએ ઉમેર્યું હતું કે પાકિસ્તાને ગઈકાલે રાત્રે પંજાબના હવાઈ મથકને નિશાન બનાવવા માટે હાઇ-સ્પીડ મિસાઇલોનો ઉપયોગ કર્યો હતો અને શ્રીનગર, અવંતીપુર અને ઉધમપુરમાં આરોગ્ય સુવિધાઓ અને શાળાઓ પર પણ હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારત હમેશા શાંતિ ઇચ્છી રહ્યું છે.
વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે પાકિસ્તાન દ્વારા સોશિયલ મીડિયા દ્વારા ફેલાવાતા ખોટા સમાચાર પર પણ પ્રકાશ પાડતા કહ્યું હતુ કે ભારતીય એસ-400 પ્રણાલીને નષ્ટ કરી દીધી હતી અને સુરતગઢ અને સિરસામાં હવાઈ ક્ષેત્રોને નુકસાન પહોંચાડ્યું હતું તેવા પાકિસ્તાન દ્વારા વાઇરલ કરવામાં આવેલા અહેવાલોને પાયાવિહોણા અને સત્યથી વેગળા ગણાવ્યા હતા..
આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત વિદેશ સચિવ વિક્રમ મિશરીએ કહ્યું કે, તે પાકિસ્તાને ઉશ્કેરણી અને તણાવ વધાર્યો હતો અને પાકિસ્તાની કાર્યવાહીનો ભારતે સમજદારી અને જવાબદારીપૂર્વકનો પ્રત્યુત્તર આપ્યો હતો.
Site Admin | મે 10, 2025 2:20 પી એમ(PM)
પાકિસ્તાનની ઉશ્કેરણીજનક કાર્યવાહીનો ભારતે ટેકનિકલ માળખા, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, રડાર સાઇટ્સ અને હથિયાર સંગ્રહ પર હુમલા કરીને જવાબ આપ્યો
