પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે આખું વિશ્વ કોઈને કોઇ તણાવમાંથી પસાર થઈ રહ્યું છે અને આવી સ્થિતિમાં, યોગ આપણને શાંતિની દિશા આપે છે.
વિશાખાપટ્ટનમમાં ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ૧૧મી વખત, વિશ્વ યોગ કરવા માટે એક સાથે આવી રહ્યું છે, જે દર્શાવે છે કે યોગે વિશ્વભરના લોકોને એક કર્યા છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ વર્ષની થીમ – “એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ”, વર્તમાન અને ભાવિ પેઢીઓ માટે સુખી અને સ્વસ્થ ભવિષ્ય સુરક્ષિત કરવા માટેની ચાવીરૂપ છે.
વિશાખાપટ્ટનમના દરિયાકિનારે ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમનું નેતૃત્વ કર્યું. તેમની સાથે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ અને અન્ય મહાનુભાવો જોડાયા હતા. આ કાર્યક્રમમાં લગભગ ૩.૫ લાખ લોકોએ ભાગ લીધો હતો, જેમાં પૂર્વીય નૌકાદળ કમાન્ડ દ્વારા ફ્લાય-પાસ્ટ અને ૪૫ મિનિટના યોગ સત્રનો સમાવેશ થતો હતો.