જમ્મુ-કાશ્મીરમાં કિશ્તવાડ જિલ્લાના પદ્દાર સબ ડિવિઝનના દૂરના ગામમાં ગુરુવારે ધોધમાર વરસાદના કારણે સર્જાયેલી ઘટનામાં ઓછામાં ઓછા 45 લોકોના મોત થયા છે. અત્યાર સુધી 120થી વધુ લોકોને બચાવાયા છે. તેમાંથી 38 લોકોની હાલત ગંભીર છે. આ ઘટનામાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ- C.I.S.F.ના બે જવાન અને મચૈલ માતા મંદિરના તીર્થયાત્રીઓએ પણ જીવ ગુમાવ્યા છે. હજી પણ કેટલાક લોકો ગુમ થયાના અહેવાલ છે.
રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ- SDRF, પોલીસ, સેના અને સ્થાનિક સ્વયંસેવકો દ્વારા બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અધિકારીઓએ લોકોની સલામતી માટે NDRFની બે નવી ટુકડી સહિત અન્ય બચાવ દળ મોકલ્યા છે. ચશોતી ક્ષેત્ર અને નીચેની તરફ ઘણા આવાસ ઘર, છ સરકારી ભવન, ત્રણ મંદિર, ચાર પવનચક્કી તેમજ 30 મીટર લંબાઈ ધરાવતો બ્રિજ અચાનક આવેલા પૂરમાં વહી ગયો છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી ડૉક્ટર જિતેન્દ્ર સિંહ, ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સહિતના મહાનુભાવે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો.
Site Admin | ઓગસ્ટ 15, 2025 1:35 પી એમ(PM)
જમ્મુ-કાશ્મીરમાં ધોધમાર વરસાદના કારણે સર્જાયેલી ઘટનામાં 45 લોકોના મોત
