વિદેશ મંત્રાલયે કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરને લગતા કોઈપણ મુદ્દાઓ પર ભારતનું લાંબા સમયથી રાષ્ટ્રીય વલણ રહ્યું છે, અનેઉમેર્યું કે આ મુદ્દાઓને ભારત અને પાકિસ્તાને દ્વિપક્ષી રીતે ઉકેલવા પડશે. નવી દિલ્હીમાં મીડિયા બ્રીફિંગ દરમિયાન એક સવાલના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે આ મામલે ભારતની નીતિમાં કોઈ ફેરફાર થયો નથી.
એક અન્ય સવાલના જવાબમાં શ્રી જયસ્વાલે કહ્યું કે આ મુદ્દે ભારત અને અમેરિકાના નેતાઓ વચ્ચે લશ્કરી સ્થિતિ પર કોઈ ચર્ચા થઈ નથી. તેમણે જણાવ્યું હતું કે, 7 મેના રોજ ઓપરેશન સિંધૂરની શરૂઆત થઈ ત્યારથી 10 મેના રોજ ગોળીબાર અને લશ્કરી કાર્યવાહીની સમાપ્તિ અંગે સમજૂતી થઈ ત્યાં સુધી ભારત અને અમેરિકાના નેતાઓ વચ્ચે વાતચીત થઈ હતી પરંતુ આમાંથી કોઈ પણ ચર્ચામાં વેપારનો મુદ્દો સામે આવ્યો ન હતો.