ભારતીય સુરક્ષા દળોના અદમ્ય સાહસ, શૌર્ય અને બલિદાનને સમર્પિત એવો આજે શૌર્ય દિવસ છે. દર વર્ષે ૯ એપ્રિલના રોજ સમગ્ર દેશમાં ગર્વભેર મનાવવામાં આવતો આ દિવસ એ ઐતિહાસિક ઘટનાની યાદ અપાવે છે જ્યારે ૯ એપ્રિલ, ૧૯૬૫ના રોજ ગુજરાતના કચ્છના રણમાં આવેલી સરદાર પોસ્ટ પર કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ ની એક નાની ટુકડીએ પાકિસ્તાની સેનાની આખી બ્રિગેડ સામે બહાદુરીનો પરચો આપ્યો હતો.પાકિસ્તાને ભારતીય વિસ્તાર પર કબ્જો જમાવવા ૯ એપ્રિલ ૧૯૬૫ના રોજ વહેલી સવારે ૩:૩૦ વાગ્યે, એક ઇન્ફન્ટ્રી બ્રિગેડે સરદાર પોસ્ટ પર હુમલો કર્યો. સરદાર પોસ્ટની સુરક્ષાની જવાબદારી સંભાળતા સી.આર.પી.એફ.ની બીજી બટાલિયનની ‘ડી’ કંપનીના આશરે ૧૫૦ જવાનોએ દુશ્મનોનો મક્કમતાથી સામનો કર્યો. આ યુદ્ધમાં સી.આર.પી.એફ.ના જવાનોએ પાકિસ્તાનના ૩૪ સૈનિકોને ઠાર માર્યા હતા અને ૪ સૈનિકોને જીવતા પકડ્યા હતા. જોકે, માતૃભૂમિની રક્ષા કરતાં સી.આર.પી.એફ.ના ૭ વીર જવાનોએ પોતાના પ્રાણની આહુતિ આપી અને શહીદ થયા, જ્યારે અન્ય કેટલાક જવાનો ઘાયલ થયા હતા.શૌર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે સી.આર.પી.એફ.ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગાંધીનગર ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.
Site Admin | એપ્રિલ 9, 2025 9:42 એ એમ (AM)
કચ્છ સરહદે હુમલો કરનારા પાકિસ્તાનને પાઠ ભણાવનારી સીઆરપીએફની ટુકડીની બહાદુરીને યાદ કરતાં શોર્ય દિવસ નિમિત્તે આજે શહિદોને શ્રધ્ધાંજલી અપાશે
