ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ આજે જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળનાં કશ્મીરમાં નવ આતંકવાદી છાવણીઓ પર થયેલા હુમલામાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા તેમણે કહ્યું કે આમાં યુસુફ અઝહર, અબ્દુલ મલિક રૌફ અને મુદાસિર અહમદ જેવા ટોચના આતંકવાદીઓનો સમાવેશ થાય છે જેઓ IC-814 ના હાઇજેક અને પુલવામા વિસ્ફોટમાં સામેલ હતા. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર આતંકવાદના ગુનેગારો અને આયોજકોને સજા આપવા અને તેમના આતંકવાદી માળખાને નષ્ટ કરવાના સ્પષ્ટ લશ્કરી ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું હતું. ઓપરેશન સિંદૂરમાં ખૂબ મહેનત અને કાળજીપૂર્વક સરહદ પારના આતંકવાદી ઠેકાણાઓની તપાસ કરવામાં આવી હતી અને આતંકવાદી છાવણીઓ અને તાલીમ સ્થળોની ઓળખ કરવામાં આવી હતી.