ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 7, 2025 3:02 પી એમ(PM)

printer

‘ઓપરેશન સિંદુર’ હેઠળ પાકિસ્તાનનાં નવ આતંકવાદી ઠેકાણા નષ્ટ: 70થી વધુ ત્રાસવાદીઓનાં મોત.

પહલગામમાં આતંકવાદી હૂમલાનાં 15 દિવસ બાદ ભારતીય સૈન્યએ ગઈ મધરાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાનનાં કબ્જા હેઠળનાં કાશ્મીર-POKમાં હવાઈ હૂમલા કરીને આતંકવાદીઓનાં નવ ઠેકાણા નષ્ટ કર્યા હતા. રાત્રે એક વાગીને પાંચ મિનિટથી એક વાગીને 30 મિનિટ સુધી ચાલેલા આ હૂમલામાં 70થી વધુ ત્રાસવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે.
નવી દિલ્હીમાં આજે ઓપરેશન સિંદુર અંગે વિગતવાર માહિતી આપતા ભારતીય સેનાનાં કર્નલ સોફિયા કુરેશી અને ભારતીય વાયુસેનાનાં વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘે જણાવ્યું કે, પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોને ન્યાય આપવા ઓપરેશન સિંદુર હાથ ધરાયું હતું.
કર્નલ સોફિયાએ કહ્યું કે ગત ત્રણ દાયકાથી પાકિસ્તાન તેનાં દેશમાં અને તેનાં કબ્જા હેઠળનાં કાશ્મીરમાં આતંકવાદી માળખાનું નિર્માણ કરી રહ્યું છે, જેમાં ભરતી, ઉપદેશ કેન્દ્રો, તાલીમ ક્ષેત્રો અને લોન્ચ પેડનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે, પાકિસ્તાનમાં લશ્કરી અને નાગરિક સ્થળોને નિશાન બનાવ્યા વિના આ ઓપરેશન પાર પાડ્યું હતું. તેમણે નાશ કરાયેલા ત્રાસવાદી સ્થળોની સૂપૂર્ણ વિગતો આપી હતી.
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે પહલગામ આતંકવાદી હુમલાની તપાસમાં આતંકવાદીઓ સાથે પાકિસ્તાનના સંબંધોનો પર્દાફાશ થયો છે.
શ્રી મિસરીએ જણાવ્યું કે, 22મી એપ્રિલે પહલગામમાં લશ્કર-એ-તૈયબા અને પાકિસ્તાન સાથે સંકળાયેલા આતંકવાદીઓએ 25 ભારતીય નાગરિકો અને એક નેપાળી નાગરિકની હત્યા કરી હતી. આતંકવાદીઓ અને તેમનાં થાણા નષ્ટ કરવા આ કાર્યવાહી કરવામાં આવી.
દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદુરને પગલે ક્રોએશિયા, નોર્વે અને નેધરલેન્ડ્સની આગામી મુલાકાત મોકૂફ રાખી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ